હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલના પીઢ ગુજરાતી અભિનેતા સતિષ શાહનું નિધન શનિવારે બપોરે 74 વર્ષની વયે નિધન થયું હતું. સતિષ શાહના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપ્યો હતો. કિડની ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હોવાની માહિતી તેમના નજીકના મિત્ર અશોક પંડિતે આપી હતી. 26મી ઓક્ટોબરે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાશે, તેમ તેમના મેનેજરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સતિષ શાહે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન અનેક યાદગાર ભૂમિકા ભજવી હતી, પરંતુ તેઓ ટીવી સિરીયલ સારાભાઈ વર્સીસ સારાભાઈથી વધુ લોકપ્રિય થયા હતા. આ શોમાં તેમણે ઈંદ્રવદન ઉર્ફે ઈંદુની ભૂમિકા ભજવી હતી. તેમની પહેલી ફિલ્મ ભગવાન પરશુરામ હતી. પછી તેમણે અજીબ દાસ્તાં, ગમન, ઉમરાવ જાન, શક્તિ, જાને ભી દો યારો, વિક્રમ બેતાલ, મૈં હું ના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1984માં તેમણે યે જો હૈ જિંદગી..માં કર્યું અને 55 એપિસોડની આ સિરીયલમાં તેમણે જુદા જુદા 55 પાત્ર ભજવ્યા હતા. પછી તેમણે ફિલ્મી ચક્કર નામના શોમાં રત્ના પાઠક સાથે પ્રકાશનો રોલ કર્યો હતો. 25 જૂન, 1951ના રોજ ગુજરાતી પરિવારમાં જન્મેલા સતિષ શાહને બાળપણમાં એક્ટિંગ નહીં પણ ક્રિકેટ અને બેઝબોલમાં રસ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોલીવૂડમાં પીઢ અભિનેતા અસરાની અને પંકજ ધીરનું પણ નિધન થયું હતું.

LEAVE A REPLY