ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટનો ત્રણ વન-ડેની સીરીઝમાં 1-2થી પરાજય થયો હતો. જો કે, ત્રીજી વન-ડેમાં પીઢ ખેલાડીઓને અને ભૂતપૂર્વ સુકાનીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે સજ્જડ પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.
એ પહેલા ઓસ્ટ્રેલિયાનો પર્થ ખાતેની પ્રથમ વન-ડેમાં 7 વિકેટે અને એડિલેઈડ ખાતેની બીજી વન-ડેમાં 2 વિકેટે વિજય થયો હતો. ત્રીજી વન-ડેમાં 125 બોલમાં ત્રણ છગ્ગા અને 13 ચોગ્ગા સાથે અણનમ 121 રનની ઈનિંગ બદલ રોહિત શર્માને પ્લેયર ઓફ ધી મેચ તથા પ્લેયર ઓફ ધી સીરીઝનો પુરસ્કાર પણ અપાયો હતો.હર્ષિત રાણાએ ભારત માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી, જે અત્યાર સુધીના તેના વનડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
સીડની ખાતે શનિવારે (25 ઓક્ટોબર) રમાયેલી ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના સુકાની મિચેલ માર્શે ફરી ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટોપ ઓર્ડરની વ્યવસ્થિત બેટિંગ પછી ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો અને ફક્ત 53 રનમાં તેણે છેલ્લી 7 વિકેટ ગુમાવી દેતાં ટીમ પુરી 50 ઓવર બેટિંગ પણ કરી શકી નહોતી, 46.4 ઓવરમાં 236 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. મેટ રેન્શોએ સૌથી વધુ, 58 બોલમાં 56 તથા ઓપનર સુકાની મિચેલ માર્શે 50 બોલમાં 41 રન કર્યા હતા. તે પછી મેથ્યુ શોર્ટ 30 રન સુધી પહોંચેલો એકમાત્ર બેટર હતો. ભારત તરફથી હર્ષિત રાણાએ 39 રનમાં ચાર, વોશિંગ્ટન સુંદરે 44 રનમાં બે તથા સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે 38.3 ઓવરમાં જ ફક્ત એક વિકેટ ગુમાવી 237 રન કરી વિજયધ્વજ લહેરાવ્યો હતો. સુકાની શુભમન ગિલ 26 બોલમાં 24 રન કરી વિદાય થયો હતો, તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની “રોકો” તરીકે ચાહકોમાં લોકપ્રિય બનેલી જોડીએ 170 બોલમાં અણનમ 168 રનની ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા હતા. કોહલીએ 81 બોલમાં સાત ચોગ્ગા સાથે અણનમ 74 રન કર્યા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ 62 બોલમાં 69 રનની ભાગીદારી કરી હતી.












