કોરોનાવાયરસના કારણે લોકોમાં વ્યાપેલા ડરનો લાભ લઇને ગુનેગારો દ્વારા કરવામાં આવતા અનેક પ્રકારના કૌભાંડો અંગે જનતાને જાગ્રત રહેવાની મેટ પોલીસે ચેતવણી આપી છે. મોટાભાગની ફરિયાદો ઑનલાઇન શોપિંગ કૌભાંડ અંગેની છે. જેમાં કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી કેટલીક ચીજ વસ્તુઓ ઓનલાઇન ખરીદનાર લોકોને નાણાંની ચૂકવણી કરી હોવા છતા સરસામાન મળ્યો નથી.

પોલીસને એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે લોકો ઘરોમાં પ્રવેશ મેળવવા અને ચોરી કરવા માટે કોરોનાવાયરસનુ બહાનું બતાવે છે અને કેટલાક બનાવોમાં ચોરીઓ થઇ છે. જો તમને કોઈ કામ માટે ઘરમાં પ્રવેશવા દેવાનુ કહે અથવા તો તે માટે નાણાં માંગે તો પોલીસની સલાહ છે કે તેમનુ ID અને ઓળખની કાળજીપૂર્વક તપાસ કરો. તમને ખાતરી ન થાય અથવા શંકા હોય તે ઘરનો દરવાજો બંધ કરી પોલીસને 101 અથવા 999 ઉપર ફોન કરી જાણ કરો.

અત્યારના તબક્કે ઑનલાઇન અથવા તમે જાણતા ન હો તેવી વ્યક્તિ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે અથવા તો તમને વિશ્વાસ ન બેસે તો પરિસ્થિતિને સમજવા માટે થોડો સમય લો અને મિત્રો-સંબંધીની સલાહ લો.

કોરોનાવાયરસ-થીમ આધારિત ફિશિંગ ઇમેઇલ્સ મોકલવામાં આવતા હોવાના અહેવાલો પણ મળ્યા છે. આવા લોકો ઇમેઇલના એટેચમેન્ટ ખોલવા લલચાવે છે અને એટેચમેન્ટ ખોલો એટલે છેતરપિંડી કરનારાઓ તમારી વ્યક્તિગત માહિતી, પાસવર્ડ્સ અને બેંકિંગની માહિતી ચોરી લે છે. ચોરોએ મોકલેલા ઇમેઇલ્સ ઘણીવાર સોફેસ્ટીકેટેડ અને બેન્કો અને અન્ય વેબસાઇટ્સના વાસ્તવિક ઇમેઇલ્સ જેવા લાગતા હોય છે, તેથી કૃપા કરીને આ માટે સાવચેત રહેવુ.

જો તમને કોઈ શંકાસ્પદ ઇમેઇલ મળે તો તેની લિંક્સ અથવા એટેચમેન્ટ પર ક્લિક કરવુ નહીં. જેની અપેક્ષા ન હોય તેવા મેસેજ કે વ્યક્તિગત અથવા નાણાકીય વિગતોવાળા કૉલ્સનો જવાબ આપશો નહીં.

જો તમને લાગે કે તમે છેતરપિંડી અથવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છો, તો એક્શન ફ્રોડ ઑનલાઇન અથવા 0300 123 2040 ઉપર ફોન કરીને તેની જાણ કરવા વિનંતી.