(PTI23-08-2020_000042B)

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ કહ્યું છે કે શાળામાં પાછા ફરતા બાળકો માટે કોવિડ-19નું જોખમ ખૂબ ઓછું છે અને બ્રિટનમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા બધા બાળકો પહેલાથી જ ગંભીર બીમાર હતા. તાજેતરમાં થયેલા નવા અભ્યાસે માતાપિતાને આશ્વાસન આપ્યું છે કે શાળામાં જનાર બધા બાળકો સુરક્ષીત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેબર માસને પહેલા સપ્તાહમાં સમગ્ર યુકેમાં શાળાઓ ખુલનાર છે.

આ અભ્યાસમાં ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડની 260 હોસ્પિટલોમાં વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કોવિડ-19ના કારણે પોઝીટીવ જણાયેલા 69,500 દર્દીઓની વિગતો મેળવવામાં આવી હતી. જેમાંથી 651 એટલે કે 0.9 ટકા દર્દીઓ 19 વર્ષથી ઓછી ઉંમરના હતા. જેમાંથી સગીર વયના માત્ર છ લોકોના મૃત્યુ નોંધાયા છે. મોતને ભેટેલા લોકોમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ સાથે જન્મેલા ત્રણ નવજાત શિશુઓ હતા જ્યારે અન્ય ત્રણની ઉંમર 15થી 18 વર્ષની હતી અને તેમને પણ ગંભીર બીમારીઓ હતી.

અભ્યાસના વરિષ્ઠ લેખક, સરકારની વૈજ્ઞાનિક સલાહકાર જૂથના (સેજ)ના સભ્ય અને એડિનબરા યુનિવર્સિટીના ચાઇલ્ડ હેલ્થ અને આઉટબ્રેક મીડીસીનના અધ્યાપક, કેલમ સેમ્પ્લે જણાવ્યું હતું કે “તંદુરસ્ત અને શાળાએ જતા કોઇ યુવાન બાળકનું મૃત્યુ કોવિડ-19ના કારણે થયું નથી. માતા-પિતાએ વિશ્વાસ રાખવો જોઈએ કે બાળકો ફરીથી શાળાએ જશે તો તેમને કોઇ સીધુ નુકસાન થવાનું નથી. અમને ખાતરી છે કે કોવિડ-19 બાળકોને કોઈ નોંધપાત્ર સ્કેલ પર નુકસાન પહોંચાડી રહ્યું નથી. જો કે ઘણા બાળકોને આઇસીયુની સારવાર લેવી પડી છે પરંતુ મોટેભાગે અમે માતાપિતાને આશ્વાસન આપવા માટે સક્ષમ છીએ.”

અધ્યયનના મુખ્ય લેખક અને એડિનબરા યુનિવર્સિટીના પેડિયાટ્રિક ચેપી રોગોના ક્લિનિકલ લેક્ચરર ડૉ. ઓલિવિયા સ્વાને જણાવ્યું હતું કે, “કદી કંઈપણ જોખમ મુક્ત નથી, પરંતુ બાળકોના ડૉક્ટર અને સંશોધનકાર તરીકે હું આશા રાખું છું કે આ અભ્યાસ સમગ્ર યુકેના માતાપિતાને આશ્વાસન આપે છે.”

બીએમજેમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે ‘’કોવિડ-19 ને કારણે આઇસીયુમાં દાખલ થયેલા શ્યામ બાળકો અન્યની સરખામણીએ બે – ત્રણ ગણા વધારે હતા.