નવી દિલ્હીમાં ગાંઝીપુર બોર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમો થાળી વગાડીને વિરોધ કર્યો હતો. (PTI Photo/Atul Yadav)

દિલ્હીના સીમાડે 32 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે, થાળી વગાડવાથી કોરોના ભાગી જશે, ખેડૂતો પણ થાળી વગાડી રહ્યાં છે, જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય.

નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત 32 દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે.

શનિવારે ખેડૂત સંગઠન સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા હતા. સંયુક્ત કિસાન મોરચાએ નક્કી કર્યું હતું કે, વાતચીત ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ સરકાર સાથે મીટિંગ માટે 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, પણ 4 શરતો રાખી છે. ખેડૂતોની શરતોમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની સંભાવનાઓ પર વાતચીત, ટેકાના લઘુતમ ભાવ માટે કાનૂની ગેરંટી વગેરેનો સમાવેશ થાય છે. ખેડૂતોએ ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલમાં ફેરફારનો મુદ્દો પણ વાતચીતના એજન્ડામાં સામેલ કરવાની માગણી કરી હતી.