પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારે મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં દીન દયાલ ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે અમદાવાદના વાડજ વિસ્તારના રામદેવનગર ટેકરા ખાતે દિન દયાલ ક્લિનિક મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર જેવા મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઘરઆંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે અંદાજપત્રમાં આ યોજના મંજૂર કરી હતી. પરંતું કોરોનાના કપરાકાળમાં આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગો કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતાં. હવે સંક્રમણ ઘટતા આ કામગીરીને પ્રાધાન્ય આપીને રાજ્યના મહાનગરો અને નગરોમાં આવા દીન દયાલ ક્લિનિક શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરોને સ્થળ પસંદગી માટે પણ સૂચના આપવામાં આવી છે.