પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના જુનિયર ડોક્ટર્સે સોમવારથી હડતાળ પાડવાની જાહેરાત કરી છે. રવિવારે જુનિયર ડોકટર એસોસિયેશન આ અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે હડતાળ દરમ્યાન ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે.

ઇન્ટર્ન ડોક્ટર બાદ જુનિયર ડોક્ટરો પણ પોતાની માગો સરકાર સમક્ષ મૂકી શનિવાર સુધી સમય આપ્યો હતો. જોકે સરકારે કોઈ જવાબ ન આપતા સોમવારથી બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાળ પાડવાનો નિર્ણય કર્યો હતો. થોડા દિવસો પહેલા રાજ્યની સરકારી કોલેજના ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ડોક્ટરોની માગણીઓની નિવારણ લાવવાની ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી. સરકારે તેમના સ્ટાઇપન્ડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે જો રેસિડેન્ટ અને જુનિયર ડૉક્ટરોને લગતી બાબતોનું 19 ડિસેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો 21 ડિસેમ્બર, સોમવારથી તેઓ હડતાળ પર ઊતરશે.