મ્યાનમારમાં લશ્કરના બળવાની વિરુદ્ધમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૈનિકોએ કાર્યવાહી કરતા દેખાવકારોએ બેરિકેડની પાછળ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. (REUTERS/Stringer)

મ્યાનમારમાં લશ્કરના બળવા પછી લોકશાહી તરફી દેખાવકારો અને સુરક્ષા જવાનો વચ્ચેનો જંગ લોહિયાળ બન્યો છે. સૈનિકોઓ ગોળીઓ વરસાવતા છેલ્લાં બે દિવસમાં 55થી વધુ દેખાવકારોના મોત થયા હતા. સોમવારે સુરક્ષા દળોની કાર્યવાહીમાં આશરે પાંચ લોકોના મોત થયા હતા. રવિવારે પણ યાંન્ગોવ શહેરમાં ચીનની કેટલીક ફેક્ટરીઓમાં દેખાવકારોએ આગ ચાંપી હતી અને તે પછી સૈનિકોએ કરેલા ફાયરિંગમાં 50 લોકોના મોત થયા હતા. મ્યાનમારમાં છેલ્લા 6 સપ્તાહથી ચાલી રહેલા લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યાં છે.

યાંન્ગોવ ખાતે ગોળીબારની ઘટનામાં 37 લોકોના મોત થયા હતા. તે સિવાય રવિવારે વિવિધ શહેરોમાં 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મ્યાનમારના એક સંગઠનના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં વિરોધી દેખાવોમાં માર્યા ગયેલા લોકોનો આંકડો 125ને વટાવી ગયો છે. મોતનો આંકડો હજુ પણ ઉંચો જાય તેવી આશંકા છે, કારણ કે, હજુ પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં લાશો પડેલી છે જેની કોઈએ ભાળ જ લીધી નથી.

 

મ્યાનમારના યોન્ગોનમાં લોકોએ લશ્કરી બળવા વિરુદ્ધના દેખાવો દરમિયાન 14 માર્ચ 2021ના રોજ થ્રી ફિંગર સેલ્યુટ મારફત વિરોધ કર્યો હતો. REUTERS/Stringer

પહેલી ફેબ્રુઆરીએ મ્યાનમારમાં લશ્કરે સત્તાપલટો કરી દીધો હતો અને ત્યાંની ચૂંટાયેલી સરકારને બરતરફ કરી દીધી હતી. ઉપરાંત આંગ સાન સૂ કી સહિત અનેક મોટા નેતાઓને જેલમાં પૂરી દીધા હતા અને તેમનો અવાજ દબાવી દીધો હતો. આ પછી મ્યાનમારના રસ્તાઓ પર દેખાવો થઈ રહ્યાં છે. લોકો આંગ સાન સૂ કીને મુક્ત કરવા માંગણી કરી રહ્યા છે. આક્રમક બનેલી સેનાએ અત્યાર સુધીમાં 2,156 લોકોની ધરપકડ કરી છે અને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ મુકનારા સામે પણ એક્શન લેવાઈ રહી છે.

ચીનનું રોકાણ ધરાવતી 31 ફેક્ટરીઓમાં તોડફોડ

ચીનના ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર ચીનનું રોકાણ ધરાવતા 32 ફેક્ટરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેનાથી ચીનના બે નાગરિકોના મોત થયા હતા. ફેક્ટરીઓ પરના હુમલામાં 37 મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ચીનની એમ્બેસીએ હિંસા અટકાવવાની મ્યાનમારના સત્તાધારી જનરલને અનુરોધ કર્યો હતો.