અમદાવાદમાં સોમવાર, 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાયા હતા.

ગુલાબ વાવાઝોડાથી ઊભી થયેલી વેધર સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને કચ્છના અખાત તરફ આગળ વધ્યું છે. તે ડિપ્રેશન વધુ તેજ બનીને અરેબિયન સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા છે, એમ ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું. તેનાથી જામનગર, પોરંબદર, દ્વારકા અને કચ્છમાં આગામી બે દિવસ ભારે વરસાદની ધારણા છે. માચ્છીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે.

આ વેધર સિસ્ટમને કારણે છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે દક્ષિણ ગુજરાત અને નજીકના ખંભાતના અખાતમાં લો પ્રેશર ઊભું થયું હતું, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને કચ્છના અખાતમાં પહોંચ્યું હતું. તે ગુરુવારે સવારે 5.30 વાગ્યે કચ્છના અખાતમાં ડિપ્રેશનમાં ફેરવાયું હતું. આ ડિપ્રેશન દેવભૂમિ દ્વારકાથી આશરે 50 કિમી, નલિયાથી 90 કિમી અને કરાંચીથી 340 કિમી દૂર છે.

આગામી 12 કલાકમાં  ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.

આ પછી આ ડિપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્વિમ તરફ વધુ આગળ વધવાની અને પછીના 24 કલાકમાં વાવાઝોડામાં તબદિલ થવાની શક્યતા છે. આ પછી તે ભારતના દરિયાકાંઠેથી આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠે જઈ શકે છે.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે હાલની વેધર સિસ્ટમનને કારણે છેલ્લાં 24 કલાકમાં જુનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ગુરુવારે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લાં 24 કલાકમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકમાં 292 મીમી, અમરેલી જિલ્લાના લિલિયામાં 141મી તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુરમાં અનુક્રમે 140 મીમી અને 135 મીમી વરસાદ થયો હતો.