કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન એશિયન લોકો સામે નફરત ફેલાવતા ગુનાઓના વધેલા વ્યાપ બાદ ન્યુ યોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટે એશિયન હેટ ક્રાઇમ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ નવા ટાસ્ક ફોર્સમાં એશિયન વંશના 25 ડિટેક્ટિવ કર્મચારીઓનો સમાવેશ કરાયો છે અને તેઓ સંયુક્તપણે કુલ નવ એશિયન ભાષાઓ બોલી શકે છે.

ન્યુ યોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટ (NYPD) દ્વારા એકમાત્ર જાતિના કારણે લક્ષ્યાંક બનાવવામાં આવતા ગુનાઓની તપાસ માટે સમર્પિત ટાસ્ક ફોર્સ  પ્રકારનું પ્રથમ સંગઠન છે.

કોરોનાવાયરસ રોગચાળો શરૂ થયો ત્યારથી શહેરમાં એશિયન લોકો સામેના હેટ ક્રાઇમના બનાવોમાં વધારો જોવા મળ્યો છે એમ એનવાયપીડીએ જણાવ્યું હતું. આ ટાસ્ક ફોર્સને ન્યાય પ્રણાલી દ્વારા પીડિતોને માર્ગદર્શન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ગુનાની જાણ કરવાથી લઇને જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધીની પ્રક્રિયાનો સમાવેશ કરાયો છે અને ફોર્સ રોગચાળા પછી પણ ચાલુ રહેશે, એમ એનવાયપીડીએ જણાવ્યું હતું.

ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરનારા એનવાયપીડીના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર સ્ટુઅર્ટ લૂએ કહ્યું હતું કે “જ્યારે પીડિત વ્યક્તિ એશિયન પોલીસ તરફ નજર કરશે ત્યારે તેઓ જોશે કે, ‘ઓહ તે મને મારા ભાઈ અથવા મારા પુત્રની યાદ અપાવે છે. આ હકિકત તેમને કેટલાક આરામનું સ્તર આપે છે.”

દેશના સૌથી મોટા પોલીસ વિભાગે કોરોનાવાયરસના હેટ ક્રાઇમની 23 ઘટનાઓ નોંધી હતી. પોલીસે આવા ગુનાઓ પર નજર રાખવા માટે આ એક અલગ કેટેગરી બનાવી છે. એનવાયપીડીના ડેટા મુજબ શહેરમાં એક તરફ નફરતના ગુનાઓ ઘટી રહ્યા છે. એનવાયપીડી પાસે તા. 1 જાન્યુઆરીથી 27 સપ્ટેમ્બર દરમિયાન 206 હેટ ક્રાઇમ નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીએ 33% નીચે હતા. શહેરમાં નોંધાયેલા નફરતના મોટાભાગના ગુનામાં એન્ટિ-સેમેટિઝમના બનાવો હતા જે 50% ઘટ્યા છે.