પ્રતિક તસવીર (Represenational image: iStock)

હેટ ક્રાઇમ નિવારવા અને સમુદાયોને સાથે લાવવા ગ્રેટર માન્ચેસ્ટરમાં આગામી ત્રણ વર્ષો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત સ્થાનિક અધિકારીઓ, ઇમરજન્સી સેવાઓ અને સામુદાયીક જૂથો માન્ટેસ્ટર શહેર અને ક્ષેત્રમાં હેટ ક્રાઇમના ગુનાઓને નાબૂદ કરવા માટે સાથે કામ કરશે. હેટ ક્રાઈમનો સામનો કરવા માટેની યોજનામાં 800થી વધુ લોકોએ ફાળો આપ્યો છે અને તેઓ હવે સમુદાયોમાં અસહિષ્ણુતા વધારવા અને નફરત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે સ્ક્રુટીની પેનલ્સ સ્થાપવાની કામગીરી સહિત શાળાઓમાં શિક્ષણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ યોજના હેટ ક્રાઇમ પ્રત્યે જાગૃતિ લાવશે અને લોકોને તેની ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરાશે અને આવી ઘટનાઓનો ભોગ બનેલા લોકોને ટેકો આપવામાં પણ સુધારો કરાશે.

કોઈ પણ ગુનાહિત ગુનાઓ, પીડિત અથવા કોઈપણ અન્ય વ્યક્તિ દ્વારા, વ્યક્તિગત લાક્ષણિકતાને આધારે વ્યક્તિ પ્રત્યે શત્રુતા, પૂર્વગ્રહ, દ્વારા પ્રેરિત થયા હશે તો તેનો સમાવેશ હેટ ક્રાઇમમાં કરાશે. ગ્રેટર માન્ચેસ્ટરમાં આ ગુના હેઠળ જાતિ, ધર્મ, જાતીય અભિગમ, ટ્રાન્સ એઇડેન્ટીટી, અપંગતા અને વૈકલ્પિક પેટા સંસ્કૃતિઓ પર નજર રાખવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે ગ્રેટર માન્ચેસ્ટરમાં માર્ચ 2019થી માર્ચ 2020 સુધીમાં 488 હેટ ક્રાઇમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

એક્ટિવિસ્ટ, એલજીબીટી સલાહકાર કાર્લ ઑસ્ટિન-બેહને જણાવ્યું હતું કે ‘’સલાહકાર અને સ્ક્રુટીની પેનલ્સ દ્વારા હેટ ક્રાઇમની સમસ્યાનો સામનો કરવા માટે અમારા શહેર-ક્ષેત્રમાં પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે. આ અભિગમને આગળ વધારવા માટે વિમેન્સ એન્ડ ગર્લ્સ ઇક્વાલીટી પેનલ અને રેસ ઇક્વાલીટી પેનલ સ્થાપિત કરવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

ગ્રેટર માન્ચેસ્ટર ફોર પોલિસીંગ, ક્રાઇમ, ક્રિમિનલ જસ્ટિસ એન્ડ ફાયરના ડેપ્યુટી મેયર બેવ હ્યુજીસે જણાવ્યું હતું કે, “ગ્રેટર માન્ચેસ્ટરમાં એક લઘુમતી એવી છે જે પૂર્વગ્રહ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને નફરતના ગુના કરે છે. પરંતુ આવા અપરાધને સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક અધિકારીઓ, ઇમરજન્સી સેવાઓ અને સમુદાયના જૂથો સાથે મળીને હેટ ક્રાઇમને નાબૂદ કરવા માટે કાર્ય કરશે.”

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના હેટ ક્રાઇમના ટેક્ટીકલ લીડ અને સુપ્રિટેન્ડન્ટ, રિક જેકસને જણાવ્યું હતું કે “ગ્રેટર માન્ચેસ્ટરને આપણા મહાન શહેર ક્ષેત્રને અહિં રહેનારા, કામ કરતા અને મુલાકાત લેનારા લોકોની વિવિધ માન્યતાઓ અને બેકગ્રાઉન્ડ દ્વારા ગતિશીલ બનાવવામાં આવે છે. હું હેટ ક્રાઇમનો શિકાર બનનાર કે સાક્ષીઓને ‘101’ પર ગ્રેટર માન્ચેસ્ટર પોલીસને જાણ કરવા અથવા સહાય અને ટેકો મેળવવા માટે www.letsendhatecrime.com ની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરુ છું.”

આ યોજના માટે કુલ 817 લોકોની સલાહ લેવામાં આવી હતી, જેમાં 90% લોકો દરખાસ્તો સાથે સંમત થયા હતા. લોકોએ મહિલાઓ અને છોકરીઓ વિરૂદ્ધ નફરતના હુનાનો સમાવેશ કરવા માટે વ્યાપક સમર્થન આપ્યું હતું. હેટ ક્રાઇમ અવેરનેસ વીક સાથે સંકલન કરીને આ યોજના શરૂ કરવામાં આવી છે જે તા. 10થી 17 દરમિયાન યોજાઇ રહી છે.