પૂજ્ય શ્રી રામબાપાના 101મા જન્મદિવસ નિમિત્તે પૂજ્ય રામબાપાના પરીવાર, જિજ્ઞાસુ સત્સંગ મંડળ, દિવ્ય સેવા ફાઉન્ડેશન (યુકે) અને શુભેચ્છકો દ્વારા ગુજરાતમાં ચક્રવાત હોનારતને કારણે રાતોરાત બેઘર બનેલા જરૂરિયાતમંદ એવા 1,001 પરિવારોને એક મહિનો ચાલે તેટલી આનાજ- કરિયાણાની સામગ્રી આપવામાં આવી હતી.

વાવાઝોડાના કારણે બધું ગુમાવી ચૂકેલા પરિવારો માટે દિવ્ય સેવા ફાઉન્ડેશન (યુકે) દ્વારા તમામ પેકેજીસ તૈયાર કરાયા હતા. તા. 28ન રોજ બાપાના જન્મ દિને પૂજ્ય રામબાપાના જન્મસ્થળ સૌરાષ્ટ્રના જીરા ગામથી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના સ્થાનિક ભાગીદારો ડો. ભરતભાઇ કાનાબાર (અમરેલી),  ડો. મુકુલભાઇ પટેલ અને ડો. ધીરૂભાઇ દુધાત (ગીરગઢડા) અને તેજસભાઇ કારિયા (બાબરા) જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીએસએફ સાથે તેઓ વર્ષોથી અથાક મહેનત કરી રહ્યા છે અને તે પ્રદેશના વંચિત લોકોને સેવા આપી રહ્યા છે.