કોરોનાના કેસ અને મોત સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં આંશિક છુટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં હવે 4 જૂનથી એટલે કે શુક્રવારથી દુકાનો, લારી-ગલ્લા સહિતના વેપાર ધંધા સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકશે.

જોકે, સરકાર દ્વારા હજુ નાઇટ કર્ફ્યૂમાં કોઈ રાહત આપી નથી. 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

કમિટીની બેઠકમાં રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તથા અન્ય વ્યાપારિક ગતિવિધી તારીખ 4 જૂનથી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોવિડ-19ની બીજી લહેરમાં ગુજરાતની હેલ્થ સિસ્ટમની કમર ભાંગી નાંખી હતી. ગુજરાતમાં કોરોનાની દૈનિક કેસની સંખ્યા 14,000ની ટોચે પહોંચી હતી, પરંતુ પહેલી મેથી તેમાં ઘટાડો ચાલુ થયો હતો અને બુધવારે 1,400થી ઓછા કેસ નોંધાયા હતા.

રાજ્યના વેપારીઓ ઘણી વખત વેપાર-ધંધામાં છૂટછાટ આપવાની માંગણી કરી હતી પરંતુ સરકાર કોઈ જોખમ ઉઠાવવા ઈચ્છતી ન હતી. તેથી હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે ત્યારે સરકાર પણ ધીમે ધીમે છૂટછાટ આપી રહી છે. સરકારે 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ઉપરાંત કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા. જે હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે.