પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અગ્રણી ફાર્મા કંપની ફાઇઝરે બુધવારે જણાવ્યું હતું કે તેની કોરોના વાઇરસની વેક્સિન ત્રીજા તબક્કાના પરીક્ષણના અંતિમ વિશ્લેષણમાં 95 ટકા અસરકારક હોવાનું જણાયું છે અને કંપની આગામી થોડા દિવસોમાં તેના માટે નિયમનકારી મંજૂરી માગશે.

ફાર્મા કંપનીએ જણાવ્યું હતું કે જર્મનીની ભાગીદાર કંપની બાયોએનટેક એસઇ સાથે વિકસાવવામાં આવેલી આ વેક્સિનની અસરકારકતા તમામ વયજૂથમાં એકસમાન છે અને તેની કોઇ મોટી આડઅસરો દેખાઈ નથી. આનો અર્થ એવો થાય છે કે વિશ્વભરમાં આ વેક્સિનનો ઉપયોગ થઈ શકશે. આ ઉપરાંત ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી માટે યુએસ એફડીએ દ્રારા જરૂરી બનાવવામાં આવેલા સુરક્ષાના માઇલસ્ટોન પણ હાંસલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ વેક્સિન સંબંધે સુરક્ષાની કોઇ ગંભીર ચિંતા ઊભી થઈ નથી.