પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે બોલીવૂડમાં દિવાળીની ઉજવણીના ઘણા આયોજન રદ્ થયા હતા, તો ઘણા અભિનેતા-અભિનેત્રી વિદેશમાં પર્વની ઉજવણી કરી હતી. સામાન્ય સંજોગોમાં બોલીવૂડમાં મોટી પાર્ટી-ગેટ ટુ ગેધરનું આયોજન થતું હોય છે. આ વર્ષે સૈફઅલી ખાન-કરીનાએ હિમાચલના ધરમશાલામાં અને સંજય દત્ત પરિવાર સાથે દુબઈમાં દિવાળીની ઉજવણી કરી હતી.
દર વર્ષે બચ્ચન પરિવારની દિવાળી પાર્ટી સૌથી વધુ ચર્ચામાં હોય છે. આ વર્ષે શ્વેતા બચ્ચનના સાસુ રીતુ નંદાનું અવસાન થયું હોવાથી તેમણે પાર્ટી રદ્ કરી છે.

ઋષિ કપૂર સાથે બચ્ચન પરિવાર અને જીતેન્દ્રના પરિવારને ગાઢ સંબંધ હતા. ઋષિના અવસાનને પગલે બચ્ચન પરિવારની જેમ એકતા કપૂરે પણ દિવાળીની ગ્રાન્ડ પાર્ટી રદ્ કરી છે. સૈફઅલી ખાન અત્યારે ધરમશાલામાં શૂટિંગ કરે છે. તેથી પત્ની કરીના કપૂર ખાન અને તૈમૂર પણ ધરમશાલા પહોંચી ગયા હતા. કરીનાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાને કારણે તેમને લાંબા સમય સુધી ઘરમાં રહેવું પડ્યું હતું. તેથી થોડા દિવસો માટે ધરમશાલામાં રોકાવાની મજા આવશે. અમારું આયોજન શાંત જગ્યાએ સમય પસાર કરવાનું છે. આ વર્ષે દિવાળીનું મોટું સેલિબ્રેશન નથી, પરંતુ નાનું સેલિબ્રેશન પણ અમને ખૂબ ગમશે.

સંજય દત્તે પત્ની માન્યતા અને સંતાનો- શહહાન અને ઈકરા સાથે દુબઈમાં દિવાળી ઉજવી હતી. આ દિવાળીએ કોઈ ધમાકેદાર પાર્ટીના બદલે તેમણે કોરોના ગાઈડલાઈન્સ મુજબ ઉજવણી કરવાનું પસંદ કર્યું હતું. કેજીએફ-2નું શૂટિંગ શરૂ કરતા પહેલા સંજય દત્ત પોતાના પરિવાર સાથે વધુ સમય રહેવા ઇચ્છ છે. કારણ કે, ફેફસાના કેન્સરની સારવારમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો. તો બીજી તરફ ટાઇગર શ્રોફ અને દિશા પટણી અત્યારે માલદિવ્સમાં છે. તેમણે ત્યાં દિવાળી ઉજવી હતી. ટાઈગર અને દિશાએ હોલિડે દરમિયાન કોઈ કપલ ફોટોગ્રાફ શેર કર્યો નથી, પરંતુ એરપોર્ટ પર તેઓ સાથે જોવા મળ્યા હતા. જેથી ફેન્સને અંદાજો આવી ગયો હતો કે તેઓ માલદિવ્સમાં સાથે દિવાળી ઉજવશે.