બ્રિટનમાં ભારતીય મૂળનાં સાંસદ અને દેશના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર મુદ્દે આક્રોશ વ્યક્ત કરી છે. તેમણે બ્રિટિશ સરકારને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાં વિનંતી કરી છે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટનાં શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સાઉથ એશિયન દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે માગણી કરીને યુકે સરકારને બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવા અને એવા ભવિષ્ય તરફ કામ કરવા વિનંતી કરી હતી જ્યાં ધાર્મિક સ્વતંત્રતા અને હિન્દુ સમાજ સુરક્ષિત હોય.
આ અંગે બ્રિટિશ ફોરેન સેક્રેટરી લખેલા પત્રમાં, પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, 18 દિવસમાં ઓછામાં ઓછા છ હિન્દુઓની હત્યા થઇ છે. તેમણે આ સ્તરનો અત્યાચાર અને હિંસા અસ્વીકાર્ય છે. તેમણે યાદ કર્યું કે ડિસેમ્બર 2024માં, તત્કાલીન ઇન્ડો-પેસિફિક પ્રધાને કહ્યું હતું કે, તેમણે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. પ્રીતિ પટેલે બ્રિટિશ સરકારને પૂછ્યું કે, આ હિંસા અંગે ચર્ચા કરવા માટે તેમણે બાંગ્લાદેશી અધિકારીઓ સાથે સીધો સંપર્ક કર્યો છે કે નહીં.
હિન્દુ સમુદાયોને હિંસા અને હુમલાઓથી બચાવવા માટે લેવાયેલાં પગલાં વિશે તમને શું ખાતરી મળી છે? શું તમે આ બાબતો પર યુકેમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર સાથે ચર્ચા કરી છે?”
મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ સામે હિંસામાં વધારો જોવા મળ્યો છે, જેનાથી વિશ્વભરના લોકો અને અસંખ્ય માનવાધિકાર સંગઠનો નારાજ છે. આ દરમિયાન, હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM) એ દેશભરમાં લઘુમતીઓ પર વધતા હુમલાની માહિતી મેળવી છે. તેમણે છેલ્લા 7 મહિનામાં 100થી વધુ મૃત્યુની નોંધ લીધી હતી.












