બોલીવૂડના સ્વ. પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અભિનિત તેમની આ અંતિમ ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માણ દરમિયાન તેમનું ગત નવેમ્બરમાં નિધન થયું હતું.
આ સંવેદનશીલ, ગંભીર અને વિચારવા મજબૂર કરતી યુદ્ધ આધારિત ડ્રામા ફિલ્મ છે. તેમાં યુદ્ધનું ગ્લેમર નથી, પરંતુ તેની માનવીય અસરને રજૂ કરે છે. આ ફિલ્મની કહાની 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની શહીદી અને સાહસગાથા પર આધારિત છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્રની સાથે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે.
અગસ્ત્ય નંદા માટે આ ફિલ્મ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહી છે. 1971ના યુદ્ધ દરમિયાન પોતાની ટેન્ક રેજિમેન્ટનું નેતૃત્વ કરનાર અને માત્ર 21 વર્ષની વયે શહીદ થનાર અરુણ ખેત્રપાલના જુસ્સાને ફિલ્મમાં અગસ્ત્યએ સાદગી અને ઊંડાણ સાથે રજૂ કર્યો છે. આ એક એવી વોર ડ્રામા ફિલ્મ છે જેમાં યુદ્ધને ઘોંઘાટ, નારાબાજી અને ભારે ભાષણોથી દૂર રાખીને એક માનવીય અનુભવ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જાણીતા દિગ્દર્શક શ્રીરામ રાઘવને ફિલ્મને યુદ્ધને રોમાંચ કે તમાશાની જેમ નહીં, પરંતુ ડર, દબાણ અને અચાનક મળેલી જવાબદારીના સ્વરૂપમાં દર્શાવ્યું છે.
અગસ્ત્ય નંદાએ અરુણ તરીકે કોઈ સુપરહીરોની જેમ નહીં, પરંતુ એક જવાબદાર, આદર્શવાદી અને ઉત્સાહી યુવા અધિકારી તરીકે ભૂમિકા ભજવી છે. તેમની બહાદુરી ભાષણોમાં નહીં, પરંતુ નિર્ણયોમાં દેખાય છે. જયદીપ અહલાવતનું પાત્ર શાંત છે, પરંતુ દરેક દૃશ્યમાં તે અનુભવી અને દમદાર જોવા મળે છે.
ધર્મેન્દ્રની હાજરી ફિલ્મને ભાવનાત્મક મજબૂતી આપે છે. દસકાઓ સુધી બોલીવૂડમાં ઊર્જા અને શક્તિનું પ્રતીક રહેલા ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં એક એવા પિતા તરીકે અનોખી ભૂમિકા ભજવી છે, જે ઓછું બોલે છે, પરંતુ તેમની ખામોશીમાં દર્દ, ગર્વ સ્પષ્ટ જોવા મળે છે.
શ્રીરામ રાઘવનનું દિગ્દર્શન ખૂબ જ નિયંત્રિત છે. તેમણે યુદ્ધને ભવ્ય તમાશો બનાવ્યો નથી, પરંતુ તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણા દૃશ્યોમાં સંવાદ કરતાં મૌન વધુ અસરકારક જોવા મળે છે. ટેન્ક યુદ્ધના દૃશ્યો, સાઉન્ડ ડિઝાઇન અને VFX જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાસ્તવિક જણાય છે.












