ટેલિગ્રામના સ્થાપક, પાવેલ ડુરોવ, પિતા બનવાના પોતાના અનોખા દૃષ્ટિકોણ માટે ઘણા સમયથી ચર્ચામાં છે. આ રશિયન બિલિયોનેરે 37 વર્ષથી ઓછી વયની એવી મહિલાઓ માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) સારવાર માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે, જે તેણે દાન કરેલા શુક્રાણુનો ઉપયોગ કરીને ગર્ભધારણ કરવા ઇચ્છે છે. અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ, 41 વર્ષીય ડુરોવે વચન પણ આપ્યું છે કે, તેના તમામ જૈવિક બાળકોને તેમની 17 બિલિયન ડોલરની સંપત્તિમાંથી હિસ્સો વારસામાં મળશે. ડુરોવે ગત ઓક્ટોબરમાં લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટ પર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘જે લોકો મારા DNAને સાબિત કરશે તેઓ 30 વર્ષમાં, મારા મૃત્યુ પછી મારી સંપત્તિમાં હિસ્સો મેળવી શકશે.’ ડુરાવે દાવો કર્યો હતો કે, તેણે દાન કરેલા શુક્રાણુથી તે ઓછામાં ઓછા 100 બાળકોના પિતા છે. આ ઉપરાંત તેને ત્રણ જુદી જુદી ત્રણ મહિલાઓ થકી છ બાળકો પણ છે. ડુરોવે 2010માં પ્રજનન સંબંધિત સમસ્યાઓથી પીડાતા મિત્રને મદદ કરવા માટે શુક્રાણુનું દાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે વૈશ્વિક ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શુક્રાણુઓની અછત અને ઘટતા પ્રજનન દરને નિવારવામાં મદદ કરવાની ઇચ્છા દર્શાવીને દાન કરવાનું જાળવી રાખ્યું છે. ડુરોવના શુક્રાણુ મોસ્કોના અલ્ટ્રાવિટા ક્લિનિકમાં સંગ્રહ કરવામાં આવ્યા છે, અને માત્ર 37 વર્ષથી ઓછી વયની અપરિણીત મહિલાઓ જ તેનો ઉપયોગ કરી શકે છે. પોતાના આ નિર્ણય અંગે ડુરોવે પ્લાસ્ટિક પ્રદૂષણ જેવા પર્યાવરણીય પરિબળો વિશે અભિપ્રાય આપ્યો છે, જે શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડવા માટે જવાબદાર છે. તેઓ શુક્રાણુના દાનને ‘નાગરિક ફરજ’ માને છે અને અન્ય તંદુરસ્ત પુરુષો પણ તેની આ પ્રવૃત્તિથી પ્રોત્સાહિત થાય તેવી આશા રાખે છે.












