વોટફોર્ડના ભક્તિવેદાંત મેનોર ખાતે હજારો ભક્તોની ઉપસ્થિતીમાં 16 અને 17 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની શાનદાર ઉજવણી સંપન્ન થઇ હતી. બે દિવસ દરમિયાન 50,000થી વધુ ભક્તોએ શ્રી શ્રી રાધા-ગોકુલાનંદના દર્શન, ભક્તિ ગાયન, વિચારપ્રેરક નાટકો, નૃત્ય પ્રદર્શનો, પ્રદર્શનો અને વાર્તાલાપનો ભાગ લીધો હતો. મુલાકાતીઓએ એક ખાસ બજાર, ભારતીય સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકોની પ્રવૃત્તિઓ અને દિવસભર પ્રસાદ અને ફૂડ કોર્ટનો આનંદ માણ્યો હતો.

ન્યૂ ગોકુલ ફાર્મમાં, ભક્તોને ગાયો અને બળદોને ખવડાવવાની અને પૂજા કરવાની તક મળી હતી, જ્યારે યુવાનો પાંડવ સેના યુવા જૂથની વિવિધ પ્રવૃત્તીઓ સાથે જોડાયા હતા. લોકપ્રિય રાધારાણી કેફેમાં તાજી તૈયાર વાનગીઓ પીરસાતી હતી, અને ફાર્મ શોપમાંથી મેનોરમાં જ ઉગાડવામાં આવતી ઓર્ગેનિક પેદાશોની લોકોએ ખરીદી કરી હતી.

સ્ટેનમોર અને હેરો અને વિલ્ડસ્ટન સ્ટેશનોએથી મુલાકાતીઓ માટે સરળ પ્રવેશ સુનિશ્ચિત કરવા ઉત્સવ માટે ખાસ શટલ બસ અને પાર્ક-એન્ડ-રાઇડ સેવાઓ આપવામાં આવી હતી.

એક વહીવટી ભૂલને કારણે મંદિર સુરક્ષિત રીતે સમાવી શકે તેના કરતાં વધુ લોકોને ટિકિટો ફાળવી દેવાતા શનિવારના રોજ ઉજવણી થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. આના કારણે આયોજકોને બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે પ્રવેશ રદ કરવાની ફરજ પડી હતી. જે અંગે એક નિવેદનમાં, મંદિરે “ગંભીર અને ખેદજનક ભૂલ” માટે માફી માંગી હતી અને ભક્તોને ખાતરી આપી હતી કે પુનરાવર્તન અટકાવવા માટે મજબૂત સુરક્ષા પગલાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

મંદિરના પ્રમુખ પ. પૂ. વિશાખા દાસીએ કહ્યું હતું કે “ભક્તિવેદાંત મેનોર ખાતે જન્માષ્ટમી 2025ની ઉજવણી અનોખી રહી હતી. ભક્તિ પ્રદર્શનો, શક્તિશાળી નાટકો, સમજદારીભર્યા પ્રવચનો અને સ્વાદિષ્ટ પ્રસાદની સાથે, અમને મેનોર કેટલું અસાધારણ રીતે લોકપ્રિય છે તેની અણધારી ઝલક પણ મળી હતી. અમને લાગે છે કે ઉત્સુક ભક્તો અમારી સાથે જન્માષ્ટમી ઉજવી શકે તે માટે અમને વધુ દિવસોની જરૂર પડી શકે છે.”

આ ઉત્સવને 1,000 થી વધુ સ્વયંસેવકો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જેમણે કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા માટે અસંખ્ય કલાકો સમર્પિત કર્યા હતા. ઘણા ઉપસ્થિતોએ ઉજવણીને “ભક્તિ અને આશાવાદથી ભરપૂર વાતાવરણ” તરીકે વર્ણવી હતી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહેમાનો ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી અને હર્ટફર્ડશાયરના ચીફ કોન્સ્ટેબલ એન્ડી પ્રોફેટ પ્રસંગને ઉજવવામાં ભક્તો સાથે જોડાયા હતા.

1973માં બીટલ્સ સ્ટાર જ્યોર્જ હેરિસન દ્વારા દાનમાં આપવામાં આવેલ ભક્તિવેદાંત મેનોર, હવે યુરોપના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ મંદિરોમાંનું એક છે, જે યુકે અને વિદેશના ભક્તોને આકર્ષે છે.

 

LEAVE A REPLY