ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે વધુ એક વખત ટેસ્ટિંગની નીતિમાં ફેરફાર કર્યો છે. ભારતે હવે કોવિડના `ઓન ડિમાન્ડ’ ટેસ્ટની છૂટ આપી દીધી છે. એટલે કે તબીબોના પ્રિસ્ક્રીપ્શન કે ભલામણ વિના લોકોની માંગ અને સ્થિતિ મુજબ સંક્રમણનું પરીક્ષણ કરવાની અનુમતિ આઈસીએમઆરે આપી છે.
મુસાફરી કરતા લોકો કે કોઈ પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માગે તો કરાવી શકશે. આઈસીએમઆરે દેશોમાં કે ભારતના રાજ્યોમાં પ્રવેશ વખતે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવાને લઈને માંગના આધારે તપાસનો આ નિયમ અમલી બનાવ્યો છે. જો કે રાજ્યો તેમાં પોતાની રીતે તેમાં ફેરફાર પણ કરી શકશે. ભારતમાં સરકારી સ્તરે બીમાર લોકોના ટેસ્ટિંગમાં આનાકાનીની ચોમેરથી ફરિયાદો ઉઠતી રહી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બહાર પાડેલી કોવિડ-19 વ્યુહાત્મક પરામર્શની ચોથી આવૃત્તિમાં જણાવાયું છે કે નિયંત્રિત ક્ષેત્રમાં રહેતા 100 ટકા લોકોની રેપિડ એન્ટિજેન તપાસ થવી જોઈએ. ખાસ કરીને જે શહેરોમાં મોટા પાયે સંક્રમણ ફેલાઈ રહ્યું ત્યાં આવા વિસ્તારોમાં તમામનું ટેસ્ટિંગ થવું જોઈએ. આ પરામર્શમાં તબીબોના પ્રિક્રીપ્શન કે ભલામણ વિના લોકોની માંગના આધારે પણ કોરોના ટેસ્ટ પર ભાર મુકાયો છે. રેપિડ એન્ટિજનનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાતા હોય તો બીજી વાર રેપિડ એન્ટિજન ટેસ્ટ કે આરટી-પીસીઆર તપાસ થવી જોઈએ.