અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમને લાગે છે કે 3 નવેમ્બરના રોજ પ્રમખપદની ચૂંટણીમાં ભારતીય અમેરિકનો મને મત આપશે. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શુ તેમને લાગે છે કે ઇન્ડિયન અમેરિકનો તેમને ટેકો અને મત આપશે. ટ્રમ્પે હ્યૂસ્ટન અને અમદાવાદના કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારતીય મૂળના લોકો મને મત આપશે.
ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન-અમેરિકનો માટે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હ્યૂસ્ટનમાં જે શાનદાર કાર્યક્રમનું આયોજન થયું હતું તેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીની આનાથી વધારે ઉદારતા બીજી શું હોઈ શકે.
ટ્રમ્પે કહ્યું કે, તેમને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેમણે પોતાના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ કોરોના મહામારી ફેલાઈ તેના લગભગ અઠવાડિયા અગાઉ જ ભારત ગયા હતા અને ત્યાં તેમને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર, સારા વ્યક્તિ અને ખૂબ જ સારી રીતે કામ કરનારા રાજનેતા ગણાવ્યા છે.