પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં અત્યાર સુધી નવ કરોડ લોકોના કોરોના ટેસ્ટ થયા છે અને દેશમાં કુલ પોઝિટિવિટી રેટ 8.04 ટકા રહ્યો છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને બુધવારે જણાવ્યું હતું.

દેશભરમાં સાતત્યપૂર્ણ ધોરણે ઊંચા ટેસ્ટિંગને કારણે કોરોના ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ઘટ્યો છે. તેનાથી સંકેત મળે છે કે કોરોના ફેલાવાના દર પર અસરકારક અંકુશ આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચો છે. તાજેતરના દિવસોમાં ભારતમાં કોરોના નવા કેસો કરતાં રિકવરીની સંખ્યા વધુ રહી છે. તેનાથી એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને હાલમાં આ સંખ્યા આશરે 8.26 લાખ છે. આ સંખ્યા કુલ કોરોના કેસના 11.42 ટકા છે.
બુધવારે સવારે આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 63,509 નવા કેસ નોંધાયા હતા. આની સામે 74,632 લોકો કોરોનામુક્ત બન્યા હતા. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 87.05 ટકા થયો છે.