હૈદરાબાદમાં 14 ઓક્ટોબર 2020ના રોજ ભારે વરસાદને કારણે ઘણા વાહનોનો પાણી ડુબી ગયા હતા. (PTI Photo)

તેલંગણામાં અતિ ભારે વરસાદને કારણે 15 વ્યક્તિના મોત થયા હતા. વણથંભ્યા વરસાદને કારણે હૈદરાબાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. મુશળાધાર વરસાદને કારણે રાજ્ય સરકારે આવશ્યક સેવાઓ સિવાય તમામ ખાનગી સંસ્થાઓ, ઓફિસોમાં બુધવાર અને ગુરુવારે રજા જાહેર કરી હતી. હજુ વધુ વરસાદને શક્યતાને કારણે લોકોને આગામી બે દિવસ સુધી જ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ પ્રધાન કે ટી રામા રાવ અને પશુસંવર્ધન પ્રધાન ટી શ્રીનિવાસે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇમર્જન્સી મીટિંગ કરીને શહેરમાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને તેનાથી રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યના ચીફ સેક્રેટરી સોમેશ કુમારે તમામ જિલ્લા વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. પોલીસ, ડિઝાસ્ટાર રિસ્પોન્સ ફોર્સ અને એનડીઆરએફના જવાનોએ પુરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા પરિવારોને બચાવ્યા હતા.