Umar Kamani of Boohoo (Photo by Presley Ann/Getty Images for boohoo.com)

નેશનલ ક્રાઈમ એજન્સી (એનસીએ) મની લોન્ડરિંગ અને VAT કૌભાંડની શંકાના આધારે ફાસ્ટ-ફેશન જાયન્ટ બુહૂને રાડીમેડ કપડા સપ્લાય કરનાર લેસ્ટરના ટેક્સટાઇલ કંપનીઓની તપાસ કરાઇ રહી છે. કામાણી પરિવારની માલિકીની £4 બિલીયનની કંપની આ વિવાદોને પગલે મુશ્રેલીઓનો સામનો કરી રહી છે પરંતુ તેમના વેપારમાં મોટો ફરક પડ્યો નથી.

એનસીએના અધિકારીઓ પાસે શહેરની કાપડ ફેક્ટરીઓમાં કામ કરતા વ્હિસલ બ્લોઅર્સના પુરાવા છે અને તેમણે આ અંગેના દસ્તાવેજો પણ પૂરા પાડ્યા હોવાનું માનવામાં આવે છે જેમાં મની લોન્ડરીંગ અને VAT છેતરપિંડીની વિગતો આપવામાં આવી છે.

તપાસમાં મદદ કરનાર નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્ર્યુ બ્રિજેને કહ્યું હતું કે “એવું લાગે છે કે લેસ્ટરના કપડા પૂરા પાડતા ઉદ્યોગમાં ગુનાખોરી આધુનિક ગુલામી કરતા વધારે વિસ્તૃત છે અને સ્થાનિક સ્તરે VATની છેતરપિંડી અને મની લોન્ડરિંગમાં પણ તે વ્યાપેલી છે. આનાથી પણ વધુ ગંભીર દાવાઓ કરવામાં આવે છે કે બનાવટી ઇન્વોઇસિંગ કંપનીઓને પૂરી પાડવામાં આવતી ઘણી રોકડ રકમ ગેરકાયદેસર દવાઓના વેચાણથી આવી છે.”

એનસીએની પૂછપરછ સન્ડે ટાઇમ્સના અહેવાલ બાદ શરૂ થઇ હતી. ગયા મહિને એલિસન લેવિટ, ક્યુસી, દ્વારા બૂહૂની કાર્યકારી પદ્ધતિઓની સમીક્ષાનો નિંદા કરતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં લેસ્ટરના કેટલાક ફેક્ટરી માલિકો VAT છેતરપિંડી કરતા હોવાનું અને લેસ્ટરમાં ત્રણ ફેક્ટરીઓ “એચએમઆરસી પણ શોધી શકે નહીં તેવી મોટા પાયા પરની VATની છેતરપિંડીમાં રોકાયેલ હોવાનો આક્ષેપ કરાયો હતો. બીબીસીની તપાસમાં પણ નાણાંની લોન્ડરીંગ અને VATમાં છેતરપિંડી કરાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જો કે બુહૂ આ અંગે જાગૃત છે તેમ જણાવાયું નહોતું. બૂહુએ કોઈ પણ કંપનીમાં કરાયેલા મની લૉન્ડરિંગ અને VAT છેતરપિંડીના આક્ષેપોની તપાસને સમર્થન આપશે તેમ જણાવી આવી કંપનીઓ સાથેના કરાર સસ્પેન્ડ કરવામાં આવશે.

પીડબ્લ્યુસીએ બૂહૂનું ઑડિટર પદ છોડવાની જાહેરાત કરી

ઝડપી ફેશન રિટેલર બૂહુની પ્રથાઓની સમીક્ષામાં તેના પર ‘નબળા કોર્પોરેટ શાસન’ હોવાનો આરોપ મૂકાયો છે ત્યારે ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ વિખ્યાત ઓડિટ કંપની પ્રાઇસવોટરહાઉસકૂપર્સ (પીડબ્લ્યુસી)એ 2014થી બૂહૂના ઓડિટરની ભૂમિકામાંથી રાજીનામું આપ્યું હતું.

જો કે, બૂહૂના પ્રવક્તાએ કહ્યું: “પીડબ્લ્યુસીએ બૂહૂના ઑડિટર તરીકે રાજીનામું આપ્યું નથી, પરંતુ બૂહુ દ્વારા ઑડિટ સેવાઓના નવા પ્રોવાઇડર માટે ટેન્ડરની પ્રક્રિયા તાજેતરમાં શરૂ થઈ છે.”

બૂહુ બ્રાન્ડે તેની સપ્લાય ચેઇનમાં કંપનીઓની સંપૂર્ણ સૂચિ પ્રકાશિત કરવાનું, તેના પર નિર્ભર ફેક્ટરીઓની સંખ્યા ઘટાડવામું અને નવા, નૈતિક સપ્લાયર્સનો ઉપયોગ કરવા સહિત અનેક શ્રેણીબદ્ધ સુધારાઓનું વચન આપ્યું છે. પીડબ્લ્યુસીએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.