(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બોલિવૂડના ભૂતપૂર્વ અભિનેતા ફરાઝ ખાનની તબિયત હાલ ગંભીર છે અને એ હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે એવા સમાચાર મળતાં ટોચના અભિનેતા સલમાન ખાને ફરાઝ ખાનનાં તમામ હૉસ્પિટલ બીલ્સ ચૂકતે કરી દીધા હતા. સલમાન ખાનની આ ઉદારતાને બિરદાવતાં અભિનેત્રી કાશ્મીરા શાહે ટ્વીટર પર સલમાનના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે કોઇને મારી આ પોસ્ટ ન ગમે તો એ જાણે. તમે મને અનફોલો કરી શકો છો. હું બોલિવૂડમાં અત્યાર સુધીમાં જેટલા લોકોને મળી છું એ સૌમાં મને લાગે છે કે સલમાન ખાન એકમાત્ર સાચો ઇન્સાન છે જે બીજાને મદદ કરવા સતત તત્પર રહે છે. અભિનેતા ફરાઝ ખાન અત્યારે ક્રિટિકલ છે એવું ડૉક્ટરો કહે છે. આવા સમયે સલમાન ખાન એની પડખે ઊભો રહ્યો હતો અને એના તમામ બીલ્સ ચૂકવી દીધા હતા. સલમાન સતત બીજાઓની મદદ કરતો રહે છે. ફરાઝ ખાનને મદદ કરવાની અપીલ અભિનેત્રી નિર્માત્રી પૂજા ભટ્ટે શરૂ કરી હતી. તેણે સોશ્યલ મિડિયા પર લખ્યુ્ં હતું કે છેલ્લા એક દોઢ વર્ષથી ફરાઝ ખાન કફ અને સંક્રમણનો ભોગ બન્યો હતો. એ સારવાર લઇ રહ્યો હતો. હું એને બનતી મદદ કરી રહી છું અને તમને પણ એને મદદ કરવાની અપીલ કરું છું. ફરાઝની બીમારીની જાણ પણ પૂજા ભટ્ટે કરી હતી.