ઇન્ડિયન અમેરિકન ડો રાજ ઐયરની અમેરિકાની આર્મીના પ્રથમ મુખ્ય માહિતી અધિકારી (CIO) તરીકે ગુરુવારે નિમણુક કરાઈ હતી. પેન્ટાગોને જુલાઈ 2020માં આ હોદ્દાની શરૂઆત કરી હતી. ડો રાજ ઐયર મૂળ તમિલનાડુના તિરુચિરાપલ્લીના છે અને બેંગલુરુમાં તેમનો ઉછેર થયો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અંડરગ્રેજ્યુએટ થયા બાદ અમેરિકામાં ગયા હતા.

અમેરિકન સંરક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાના ભારતીય અમેરિકનો પૈકીના એક ડો. ઐયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડીની ડીગ્રી ધરાવે છે. અગાઉ તેઓ સેક્રેટરી ઓફ આર્મીના મુખ્ય સલાહકાર હતા.

થ્રી સ્ટાર જનરલની સમકક્ષ ઐયર અમેરિકન સેનાના આઇટીના 16 બિલિયન ડોલરના વાર્ષિક બજેટ પર નજર રાખશે. તેમના હાથ નીચે આશરે 100 દેશોમાં તૈનાત 15,000 કરતાં વધુ નાગરિકો અને સેનાના જવાનો કામ કરશે.

અમેરિકન સેનાને આધુનિક બનાવવા તેમજ ચીન અને રશિયા જેવા નજીકના હરીફ વિરૂદ્ધ ડિજિટલ કામગીરીની નીતિ અને કાર્યક્રમો કરવા આદેશ આપશે. અગાઉ ઐયર ડેલોઇટ કન્સલટિંગ એલએલપીમાં મેનેજીિગ ડિરેકટર હતા, જ્યાં તેઓ સરકારના અસીલોને ટેકનોલોજી પ્રોગ્રામમાં મદદ કરતા હતા. 26 વર્ષની પોતાની કારકિર્દીમાં ઐયરે સંરક્ષણ અને કોમર્શિયલ ક્લાઇન્ટને અનેક વખતે ટેકો આપ્યો હતો.