સ્પેનની રેસ્ટોરંટમાં ભોજન તૈયાર કરતા લોકો (Photo by JOSE JORDANAFP via Getty Images)

સરકારના સલાહકાર પ્રોફેસર નીલ ફર્ગ્યુસનની આગેવાની હેઠળ ઇમ્પીરીયલ કૉલેજ લંડનના રીસર્ચરે કરેલા અભ્યાસ મુજબ ‘’યુરોપના સૌથી ધનિક દેશો પૈકીના 11 દેશોના સરેરાશ ચાર ટકા એટલે કે લગભગ 19 મિલિયન લોકો ચેપગ્રસ્ત થયા છે. યુકે, સ્પેન, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ફ્રાંસ, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વેમાં લાખો લોકોને વાયરસ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ આંક કુલ 366,000 લોકોનો જણાવે છે. સ્પેનની 15% વસ્તી પહેલાથી જ ચેપગ્રસ્ત છે.

કોરોનાવાયરસને રોકવા કયા પ્રકારનાં અને કેટલા સજ્જડ લોકડાઉન પગલાં લેવામાં આવ્યા હતા તેને આધારે મરણ પામેલા લોકોનો આંક ઓછો વધતો રહ્યો છે. જે દેશોએ સખત અને જલ્દીથી લોકડાઉન અને સામાજીક અંતરના પગલા વહેલા લીધા હતા તે દેશોમાં લોકોને નાના પ્રમાણમાં ચેપ લાગ્યો હતો. સૌથી ઓછો અંદાજિત ચેપ નોર્વેમાં લોકોને લાગ્યો હતો. જ્યાંની 5.5 મિલિયન વસતીમાંથી માત્ર 0.41 ટકા લોકોને કોરોનાવાયરસ (આશરે 22,400 લોકો)ને ચેપ લાગ્યો હતો. જર્મનીમાં ચેપનું પ્રમાણ 0.72 ટકા (577,000 લોકો) હતુ. સ્પેન અને ઇટાલીમાં કુલ 1.6 મિલિયન લોકો સંક્રમિત થયા હતા તેવો અંદાજ છે. પણ બાકીના અન્ય કોઈ દેશમાં ચાર ટકા કરતા વધારે લોકોને ચેપ લાગ્યો નથી.

બેલ્જિયમમાં વસ્તીના 7.7 ટકા (433,6૦૦ લોકો), સ્વિટ્ઝર્લેન્ડમાં 3.2 ટકા (269,000 લોકો), સ્વીડનમાં 3.1 ટકા (316,200 લોકો), ફ્રાન્સમાં 3 ટકા (2.04 મિલિયન લોકો), યુકેમાં 2.7 ટકા (1.775 મિલીયન લોકો); ઑસ્ટ્રિયામાં 1.1 ટકા (97,400 લોકો) અને ડેનમાર્કમાં 1.1 ટકા (64,500 લોકો) લોકોને વાયરસનો ચેપ લાગ્યો હોવાનો અંદાજ છે. પરંતુ સંશોધનમાં તમામ 11 દેશોમાં નોંધાયેલા કેસોની સત્તાવાર સંખ્યા માત્ર 365,734 છે. પણ ટીમનો અંદાજ છે કે હાલમાં જણાવાયેલા અહેવાલો કરતા ઘણા વધુ લોકોને ચેપ લાગ્યો છે.