બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં ગયા સપ્તાહે સ્કૂલો ફરી શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે મોટા ભાગના દેશોમાં આ સ્કૂલો માર્ચથી બંધ હતી. બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન વિલિયમ્સને કહ્યું કે દેશભરમાં સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. અમે કોરોનાના પડકારોને ઓછા નથી આંકી રહ્યા પણ એ વાતને સમજવી પડશે કે બાળકોનું સ્કૂલે જવું કેટલું જરૂરી છે. આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. સરકાર બાળકોને સ્કૂલે જવા માટે સાઈકલ કે સ્કૂટરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. સ્કૂલમાં નિયંત્રણ પ્રણાલી પણ લાગુ કરાઈ છે. તે હેઠળ માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓનું પાલન કરાશે.
બ્રિટનમાં કોરોનાના અત્યાર સુધી 3,35,873 કેસ નોંધાયા છે અને 41,501 મૃત્યુ થયાં છે. રશિયામાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિને કહ્યું કે સ્કૂલોમાં વાઈરસ સામેના સુરક્ષા નિયમોનું પાલન કરાશે. મોસ્કોની સ્કૂલોમાં શિક્ષકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે. તેમને વિદ્યાર્થીઓથી યોગ્ય અંતર જાળવવા પણ નિર્દેશ અપાયો છે. રશિયામાં કોરોનાના અત્યાર સુધી 10,00,048 દર્દી મળ્યા છે અને તેનાથી 17,299 લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ ફ્રાન્સના શિક્ષણમંત્રી જીન માઈકલ બ્લાનક્વેરે કહ્યું કે દેશમાં સ્કૂલો ફરીવાર ખોલવામાં આવી રહી છે. જે સ્કૂલોમાં તેની તૈયારી અધૂરી છે ત્યાં પછીથી અભ્યાસ શરૂ કરાશે.