વૉટફર્ડના ભક્તિવેદાંત મેનોરના ભક્ત મનોહર કૃષ્ણ પ્રભુનુ કોરોનાવાયરસથી મૃત્યુ

0
868

વૉટફર્ડના ભક્તિવેદાંત મેનોરના ભક્ત મનોહર કૃષ્ણ પ્રભુનું કોરોનાવાયરસના કારણે સોમવારે રાત્રે વૉટફર્ડ જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થતા તેઓ વાયરસથી મોતને ભેટેલા બ્રિટનના છઠ્ઠા અને ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા છે. એંસીના દાયકાના વૃધ્ધ મનોહર કૃષ્ણ પ્રભુના નિધન અંગે ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ તેમના મૃત્યુની જાહેરાત કરી હતી. તેમના પુત્રની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ મૂળ સિંધી સમુદાયના મનોહરજીના પુત્ર પાસે કેટલાક ઑડિઓ સાધનો ખરીદવા માટે ઘરે આવેલા બીમાર ઇટાલિયન વ્યક્તિ પાસેથી મનોહરજીને ચેપ લાગ્યો હતો. તેઓ લગભગ 10 દિવસ પહેલા હોસ્પિટલમાં ગયા હતા. તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે હરેકૃષ્ણ મંદિરથી ચાર ભક્તો તેમની મુલાકાત લેવા ગયા હતા. તે વખતે તેમને કોરોના વાયરસનુ નિદાન થયુ ન હતુ અને તેમને એમ હતુ કે મનોહરજીને ન્યુમોનીયા થયો છે. તે ચાર ભક્તોને પણ અલગ રખાયા હતા.

મનોહર જીના પરિવારે ટ્રસ્ટ દ્વારા બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે “અમે એક પ્રેમાળ, સંભાળ આપતા પિતા, દાદા અને ભાઈ ગુમાવ્યા છે. તેમના વય અને સ્વાસ્થ્યની તકલીફ હોવા છતાય તેઓ સંપૂર્ણ જીવન જીવતા હતા અને હંમેશા અન્ય લોકો માટે કામ કરતા હતા. અમારા પિતાની માત્ર અમને જ નહીં પણ તેમના સંપર્કમાં આવેલા તમામને ખોટ સાલશે.’’