REUTERS/Florence Lo/Illustration/File Photo

ભારતની ફાઇનાન્શિયલ ક્રાઇમ એજન્સીએ વોલમાર્ટની ભારતની ખાતેની ફેશન રિટેલર કંપની મિંત્રા સામે વિદેશી રોકાણના નિયમોના ભંગનો કેસ દાખલ કર્યો હતો. ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેની સંબધિત કંપનીઓ અને ડાયરેકટરો વિરુદ્ધ રૂ.1,654 કરોડથી વધુના કથિત એફડીઆઇ નિયમોના ભંગ માટે ફેમાનો કેસ કરાયો હતો. ફ્લિપકાર્ટની માલિકીની મિન્ત્રા તેની પોતાની ઈ-કોમર્સ વેબસાઇટ પર ફેશન બ્રાન્ડ્સનું વેચાણ કરે છે.

તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરાઈ હતી. વિશ્વસનીય માહિતી મળી હતી કે મિંત્રા ડિઝાઇન્સ (બ્રાન્ડ નામ મિંત્રા) અને તેની સંબધિત

કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસની આડમાં ભારતમાં મલ્ટી બ્રાન્ડ રીટેલ વેપાર કરી રહી છે.ભારતના હાલના એફડીઆઇ નિયમો મુજબ વિદેશી હોલસેલર્સ ગ્રાહકોને સીધું વેચાણ કરી શકતા નથી. ઇડીએ જણાવ્યું હતું કે મિંત્રા ડિઝાઇને જાહેરાત કરી હતી કે તે હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસ કરે છે અને તેને વિદેશી રોકાણકારો પાસેથી ૧૬૫૪ કરોડ રૂપિયાનું એફડીઆઇ મેળવ્યું છે. જોકે તે સીધું રિટેલ વેચાણ કરતી હતી. એજન્સી જણાવ્યા અનુસાર આ કથિત રીતે વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) દિશાનિર્દેશો અને ફેમાની જોગવાઇઓનો ભંગ છે.

મિંત્રાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની દેશના તમામ અમલી કાયદાઓનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જોકે અમને અધિકારીઓ પાસેથી સંબધિત ફરિયાદ અને સહાયક દસ્તાવેજોની નકલ મળી નથી આમ છતાં અમે કોઇ પણ સમયે તેમને સહકાર આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.

LEAVE A REPLY