વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 25 જુલાઈ 2025એ તેમના કાર્યકાળના 4,078 દિવસ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વડાપ્રધાનના હોદ્દા પર સતત આટલા દિવસ સુધી રહીને તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 4,077 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો હતો. ઇન્દિરા ગાંધીએ ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭ સુધી સતત બે કાર્યકાળ સુધી સેવા આપી હતી.
આ સીમાચિહ્ન સાથે પીએમ મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત સૌથી વધુ સમય સુધી સેવા આપનારા બીજા વડાપ્રધાન બન્યાં હતાં. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કુલ 6,130 દિવસ (લગભગ 17 વર્ષ) દેશનું નેતૃત્વ કર્યું હતું.
૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના સતત ૪૦૭૮ દિવસ પૂરા થયા હતાં. આ સમયગાળામાં તેમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પહેલા અને એકમાત્ર વડાપ્રધાન છે. જેમણે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન છે.
વધુમાં તેઓ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરનારા પ્રથમ વર્તમાન વડાપ્રધાન છે. સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરુ સિવાય પીએમ મોદી એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે ભારતમાં રાજકીય પક્ષના નેતા તરીકે સતત ત્રણ ચૂંટણીઓ જીતી છે.
મોદીએ અત્યાર સુધીમાં કુલ છ ચૂંટણીઓમાં ભાજપને વિજય અપાવ્યો છે. તેમાં ત્રણ વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી (2002, 2007, 2012) અને ત્રણ વખત લોકસભા ચૂંટણી (2014, 2019, 2024)નો સમાવેશ થાય છે.
આમ તેઓ રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારનું સતત નેતૃત્વ કરનારા એકમાત્ર નેતા બન્યા છે. ગુજરાતના વડનગર શહેરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ પોતાનું બાળપણ રેલ્વે સ્ટેશન પર ચા વેચીને શરૂ કર્યું હતું. બાદમાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા અને પછી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતાં. તેમણે 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને પછી 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતાં. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ તેમનું સરળ વ્યક્તિત્વ, વાતચીત કૌશલ્ય અને ભારતને દેશમાં આત્મનિર્ભર, વૈશ્વિક નેતા તરીકે રજૂ કરવાની તેમની નીતિ છે.
