ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે ગુરુવાર 24 જુલાઇએ ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કરાયાં હતાં. ગરવી ગુજરાતને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં બ્રિટિશ ફોરેન સેક્રેટરીએ ડેવિડ લેમીએ બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકો આ સમજૂતીનો કેવી રીતે લાભ લઈ શકે છે તેની વિગતો આપી હતી. ઇન્ટરવ્યૂના સંકલિત અંશોઃ
પ્રશ્નઃ FTAથી દ્વિપક્ષીય વેપારમાં વાર્ષિક £25.5 બિલિયનનો વધારો થવાની અને 2030 સુધીમાં કુલ વેપાર બમણો થવાનો અંદાજ છે. બંને પક્ષોએ આ મહત્વાકાંક્ષી ટાર્ગેટ હાંસલ કરવા માટે કયા મેકેનિઝમ અપનાવવામાં આવ્યાં છે અને સફળતા માટે ટૂંકા ગાળાના માપદંડ શું છે?
અમે ફક્ત આ કરાર પર હસ્તાક્ષર કરીને શ્રેષ્ઠની આશા રાખી રહ્યા નથી. આ કરાર દ્વારા ખુલતી તકોનો ઉપયોગ કરવા માટે શ્રેણીબદ્ધ મેકેનિઝમ ઊભા કર્યા છે, જેમાં વિશેષ વર્કિંગ ગ્રુપ અને અમલીકરણ સમિતિઓનો સમાવેશ થાય છે. આ જૂથો અને સમિતિઓ પ્રગતિનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે પ્રતિબદ્ધતાઓ સંપૂર્ણપણે સાકાર થાય. ચાવીરૂપ બાબત એ છે કે અમે યુકેના બિઝનેસિસ સાથે હાથ મિલાવીને કામ કરીશું, જેથી તેઓ આ સોદા દ્વારા ઉભી થતી નવી તકોનો લાભ લઈ શકે. તે યુકેની તાજેતરની ઔદ્યોગિક અને વેપાર વ્યૂહરચના સાથે સુસંગત છે, આ સોદો એવા ક્ષેત્રોને ટેકો આપશે જે અર્થતંત્રની વૃદ્ધિમાં સૌથી વધુ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે યુકેના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ટેરિફમાં ઘટાડાથી લાભ થશે. એરોસ્પેસ ક્ષેત્રની ટેરિફ 11%થી ઘટીને 0%, ઓટોમોટિવ્સની ટેરિફ ક્વોટા હેઠળ 100%થી 10% અને ઇલેક્ટ્રિકલ મશીનરીની ટેરિફ 22%થી ઘટીને 0% ટકા થશે.
પ્રશ્નઃ બ્રિટિશ એશિયન સમુદાય યુકેમાં ઘણા સફળ SME બિઝનેસ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. ભારત FTA હેઠળ તેમને નવી તકોનો લાભ કેવી રીતે મળશે? યુકે સરકાર આ કંપનીઓને ભારત સાથે વેપાર કરવા માટે શું સમર્થન આપશે?
બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકો આપણા અર્થતંત્રમાં એક પ્રેરકબળ છે અને આ કરારમાં એક વિશેષ એસએમઇ ચેપ્ટર છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ ભારતના બજારમાં પ્રવેશ કરવાનું પડકારજનક હતું. ખાસ કરીને નાના બિઝનેસિસ માટે. આ કરાર તેમાં ફેરફાર કરાયો છે. અમે લાંબા સમયના અવરોધોને દૂર કર્યા છે અને SMEs માટે વધુ સરળતાથી અને સસ્તા દરે વેપાર કરવાના દરવાજા ખોલી રહ્યા છીએ. અમે કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવી છે, ડિજિટલ કરારોને પ્રોત્સાહન આપ્યું છે અને વેપાર માહિતીને વધુ સુલભ અને વપરાશકર્તાલક્ષી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. યુકેની એસેસમેન્ટને એજન્સીઓને ભારતમાં માન્યતા મળે તેના પ્રયાસો કરી રહ્યાં છીએ, જેથી પ્રોડક્ટ્સનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન થઈ શકે છે. તેનાથી સમય અને નાણાની બચત થશે.
પ્રશ્નઃ વૈશ્વિક માળખામાં પરિવર્તન થઈ રહ્યુ છે ત્યારે યુકે તેની વ્યાપક ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં ભારત માટે કઈ ભૂમિકાની કલ્પના કરે છે?
યુકેની ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં ભારત કેન્દ્રસ્થાને છે. ઉભરતી વૈશ્વિક શક્તિ તરીકે ભારત મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ઇન્ડિયા-યુકે વિઝન 2035 લોન્ચ કરાયું છે, જે એક બોલ્ડ, ભવિષ્યલક્ષી એજન્ડા નક્કી કરે છે. આ વિઝન પાંચ મુખ્ય સ્તંભોમાં સહિયારા લક્ષ્યોની રૂપરેખા આપે છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા અને શિક્ષણનો સમાવેશ થાય છે. વાસ્તવિકતા એ છે કે યુકે ભારતને આતંકવાદ અને સાયબર જોખમોથી લઈને દરિયાઈ સ્થિરતા સુધીના સહિયારા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જુએ છે.
પ્રશ્નઃ ભારત એક અગ્રણી ટેક અને ઇનોવેશન હબ તરીકે ઉભરી રહ્યું છે. યુકે વિઝન 2035માં ખાસ કરીને AI, ગ્રીન ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં આ વૃદ્ધિનો કેવી રીતે લાભ લઈ રહ્યું છે?
બંને દેશો ભારત-યુકે વિઝન 2035 અને યુકે-ભારત ટેકનોલોજી અને સુરક્ષા પહેલ (TSI) દ્વારા ફ્રન્ટિયર ટેકનોલોજીના ઝડપી વિકાસ અને ઇનોવેશન આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સહયોગ ભવિષ્યલક્ષી છે, જે AI, ભાવિ ટેલિકોમ, સેમિકન્ડક્ટર અને આરોગ્ય ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં જોઇન્ટ રીસર્ચ, ઇનોવેશન હબ અને સપ્લાય ચેઇન પર ફોકસ કરે છે. અમે મહત્વપૂર્ણ ખનિજો, સેમિકન્ડક્ટર્સ અને ક્વોન્ટમ ટેકનોલોજી પર સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ. AIમાં અમે સલામત અને જવાબદાર શાસન માળખાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, અને G20 અને UN જેવા વૈશ્વિક મંચો પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
પ્રશ્નઃ ભારત સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાની વ્યૂહાત્મક મહત્વાકાંક્ષા સાથે-સાથે યુકે તેની ઇમિગ્રેશન નીતિને કેવી રીતે સંતુલિત કરી રહ્યું છે?
યુકેમાં ભારતીય મૂળના ૧.૯ મિલિયન લોકો “જીવંત સેતુ” છે, જે બંને દેશોને સંસ્કૃતિ, શિક્ષણ, વ્યવસાય, ખોરાક, રમતગમત વગેરેમાં જોડે છે. યુકે ઓર્ગેનાઇઝે્ડ ક્રિમિનલ સંગઠનો પર અંકુશ રાખીને આ આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારત-યુકે વિઝન 2035 દ્વારા અમે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ અને સ્ટડી ઈન્ડિયા પ્રોગ્રામ જેવી હાલની યોજનાઓ દ્વારા માઇગ્રેશનને સપોર્ટ કરી રહ્યાં છે, જેનાથી બંને દેશોના યુવાનોનો લાભ થાય છે. માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશીપના સંપૂર્ણ અમલ મારફત ગેરકાયદેર માઇગ્રેશનને અટકાવવા તથા યુકે-ભારત જીવંત સેતુને સુરક્ષિત રાખવાની નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે.
પ્રશ્નઃ યુકે અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બ્રિટિશ ઇન્ડિયન કમ્યુનિટી કઈ ભૂમિકા ભજવે તેવું તમે ઇચ્છો છો?
હું ખરેખર માનું છું કે બ્રિટિશ ભારતીય સમુદાય યુકે-ભારત સંબંધોના કેન્દ્રસ્થાને છે. તેઓ માત્ર યુકેના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ સહયોગને આગળ વધારવા માટે પણ એક શક્તિશાળી માધ્યમ છે. યુકેના કુશળ કાર્યકર, આરોગ્ય અને સંભાળ, સ્પોન્સર્ડ સ્ટડી અને વિઝિટર વિઝા માટે ભારત પહેલાથી જ ટોચનો દેશ છે, જે લોકો-થી-લોકો વચ્ચેના સંબંધોનો વ્યાપ દર્શાવે છે. સ્કેલને પ્રકાશિત કરે છે.બ્રિટિશ ભારતીય સમુદાય આ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. સાંસ્કૃતિક રાજદૂતો, બિઝનેસ લીડર્સ, ઇનોવેટર્સ અને શિક્ષકો તરીકે ઇન્ડિયન કમ્યુનિટી દ્વિપક્ષીય સંબંધોને નવો આયામ આપવામાં મદદ કરી છે.
