અમેરિકામાં ઉટાહ-એરિઝોના બોર્ડર વિસ્તાર અને સાઉથ કેરોલિનામાં ઓરીનો રોગચાળો ફેલાતા સેંકડો લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગત શુક્રવાર અને મંગળવારની વચ્ચે, સાઉથ કેરોલિનાના હેલ્થ અધિકારીઓએ નોર્થ વેસ્ટ સ્પાર્ટનબર્ગ કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારમાં ઓરીના નવા 27 નવા કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. રસીથી અટકાવી શકાય તેવા આ વાયરસથી બે મહિનામાં 111 લોકો બીમાર થયા હતા. અત્યારે આ વિસ્તારમાં નવ એલિમેન્ટરી, મિડલ અને હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત 250થી વધુ લોકો ક્વોરન્ટાઇન છે, જેમાં કેટલાક લોકો ઓક્ટોબરમાં તેનો પ્રકોપ વધ્યા પછી બીજીવાર ક્વોરન્ટાઇન થયા હતા. રાજ્યના મોટાભાગના નવા કેસ ઇનમેનમાં વે ઓફ ટ્રુથ ચર્ચમાં એકબીજાના સંપર્કમાં આવવાથી જોવા મળ્યા હતા. રાજ્યના એપિડેમિયોલોજિસ્ટ ડો. લિન્ડા બેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘ચર્ચના સંચાલકો ‘ખૂબ જ મદદ કરી રહ્યા છે.
આપણે સતત સંક્રમણનો સામનો કરી રહ્યા છીએ. અમને લાગે છે કે આપણા રાજ્યમાં ઓછામાં ઓછા ઘણા અઠવાડિયા સુધી તે જોવા મળશે.’
એરિઝોના અને ઉટાહમાં આ રોગચાળો ઓગસ્ટથી જોવા મળે છે. એરિઝોનાની મોહેવ કાઉન્ટીમાં 172 કેસ નોંધાયા હતા અને સાઉથવેસ્ટ ઉટાહ પબ્લિક હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા 82 કેસ નોંધવામાં આવ્યા હતા. સરહદી શહેરો કોલોરાડો સિટી અને હિલ્ડેલમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ઉટાહમાં આ વર્ષે ઓરીના કુલ 115 કેસ નોંધાયા હતા, અને એરિઝોનામાં 176 કેસ જોવા મળ્યા હતા. સમગ્ર દેશમાં ઓરીના કેસની સંખ્યા બે હજારની નજીક છે, આ એવી બીમારી છે જે નિયમિત બાળ રસીકરણને કારણે વર્ષ 2000થી દેશમાં નાબૂદ થઇ હોવાનું માનવામાં આવે છે.













