સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓનલાઇન જુગાર ક્લબ ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલ વિસ્તારમાં ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો. જેના માટે UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમાડતા હતા. હાલ પોલીસે પાલ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં આવેલી ઓફિસમાંથી બે મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરી છે.સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, પાલ ગૌરવપથ રોડ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલી વિક્ટર આઈટી સોલ્યુશન નામની ઓફિસમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે.

જેથી ટીમ બનાવી રેડ કરી હતી. જેમાં આરોપી જીગર, રાહુલ અને કાર્તિક ઓફિસ ખોલી ઓનલાઈન જુગાર રમાડતા હતા. ઓનલાઈન જુગાર રમાડવા માટે અમદાવાદના ભરતભાઈ પાસેથી UKમાં સર્વર ભાડે લીધું હતું. ત્યારબાદ ફેક આઈડી બનાવી આ આઈડીથી જુદા જુદા આશરે 30 ડોમેઈનમાં જુદી જુદી વેબસાઈટ બનાવી હતી. આ સાથે અરમેનિયા દેશના નારીક નામના વ્યક્તિ પાસેથી ઓનલાઈન વેબસાઈટમાં જુગારની રમતનો લાઈવ વીડિયો મૂકી તે વેબસાઈટમાં જુગાર રમાડતા હતા.

આરોપીઓ દ્વારા વેબસાઈટમાં તીનપત્તી. રુલેટ, અંદર બહાર, ડ્રેગન ટાઈગર, બકારંટનો જુગાર રમાડતા હતા. આ સાથે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો પર પણ હાર જીતનો જુગાર રમાડવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ભાડેથી પુરૂ પાડતા હતા. જેના માટે જુદા જુદા ગ્રાહકોને વેબસાઈટ લીંક અને યુઝર આઈડી, પાસવર્ડ બનાવી આપી માસિક 1 લાખથી 2 લાખ રૂપિયા વસૂલ કરી ઓનલાઈન જુગાર રમાડતા હતા. પોલીસે ઓફિસમાં તપાસ હાથ ધરતા ઓફિસમાંથી 13 લેપટોપ, 8 મોબાઈલ ફોન, ટીવી સહિત 8 લાખનો મુદામલ કબ્જે કર્યો છે. સ્થાનિક પોલીસના નાક નીચે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેના કારણે સ્થાનિક પોલીસની પોલીસ ખુલી ગઈ છે.