કોરોના વાઇરસ મહામારીને કારણે આવેલ વૈશ્વિક મંદીને કારણે વિદેશી રોકાણકારોએ વિકાસશીલ એશિયન અર્થતંત્રોમાંથી ૨૬ બિલિયન ડોલરનું રોકાણ પરત ખેંચી લીધું છે. તો પૈકી ભારતીય અર્થતંત્રમાંથી વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલર પરત ખેંચી લીધા છે તેમ કોંગ્રેસનલ રિસર્ચ સેન્ટરે પોતાના અહેવાલમાં જણાવ્યું છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી રોકાણકારોએ વિકાસશીલ એશિયન અર્થતંત્રોમાંથી ૨૬ બિલિયન ડોલર અને ભારતમાંથી ૧૬ બિલિયન ડોલરનું રોકાણ પરત ખેંચી લીધું છે. રોકાણકારો દ્વારા સતત રોકાણ પરત ખેંચવામાં આવતા એશિયન અર્થતંત્ર સામે વધારે જોખમ ઉભા થયા છે.
આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે યુરોપમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને ઇટાલીના કુલ ૩ કરોડ લોકોએ સરકારી સહાયની માગ કરી છે. વર્ષ ૨૦૨૦ના પ્રથમ કવાર્ટરના આંકડા મુજબ યુરોઝોનના અર્થતંત્રમાં ૩.૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ૧૯૯૫ પછીનો સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકામાં પ્રાથમિક આંકડા દર્શાવે છે કે ૨૦૨૦ના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં ૪.૮ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૦૮ના ચોથા કવાર્ટરમાં થયેલા ઘટાડા પછીનો આ સૌૈથી મોટો ઘટાડો છે.
સીઆરએસના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે વિશ્વની સરકારો સામે અર્થતંત્રને ફરીથી બેઠું કરવાનો મોટો પડકાર ઉભો થયોે છે. ભારે મંદીને કારણે વિશ્વની સરકારોને ફરીથી નવી આર્થિક નીતિ ઘડવાની જરૃરિયાત ઉભી થઇ છે.
જો કે આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરાના વાઇરસને કારણે મોટા ભાગના અર્થતંત્રોમાં ઘટાડો જોવા મળશે પણ માત્ર ત્રણ દેશોે ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં ૨૦૨૦માં નાનો પણ પોઝિટિવ આર્થિક વિકાસ જોવા મળશે. લોકડાઉનને કારણે યુરોપના એરપોટની આવકમાં ૪.૩ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. એરલાઇન્સ ઉદ્યોગોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અનેક એરલાઇન્સ ટૂંકા ગાળામાં નાદારી નોંધાવશે. સમગ્ર વિશ્વની એરલાઇન્સોને ૨૦૨૦માં કુલ ૧૧૩ બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. શાળાઓ બંધ રાખવાને કારણે વિશ્વના ૧.૫ બિલિયન બાળકોનું ભણતર બગડયું છે.