કોરોના લોકડાઉનને પગલે એર ટ્રાવેલ બંધ થઇ જતાં એન્જિન મેકર રોલ્સ રોયસે પોતાના ૯૦૦૦ કર્મચારીઓના છટણી કરવાની યોજના બનાવી છે. ઇંગ્લેન્ડના ડર્બીમાં આવેલી આ કંપનીમાં કુલ ૫૨,૦૦૦ કર્મચારીઓ છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ક્યાં વિભાગમાંથી સૌથી વધુ કર્મચારીઓને દૂર કરવામાં આવશે.
જો કે કંપનીના સીઇઓ વોરેન ઇસ્ટના જણાવ્યા અનુસાર સૌથી વધુ કર્મચારીઓ સિવિલ એરોસ્પેસ બિઝનેસમાંથી દૂર કરવામાં આવશે. આ જ વિભાગમાં ૭૫ ટકા કર્મચારીઓ કાર્યરત છે. આ સંદર્ભમાં યુનિયનો સાથે મંત્રણા શરૃ કરી દેવામાં આવી છે.
જો કે આ નિર્ણયને કારણે કંપનીની ટીકા પણ થઇ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓને દૂર કરવાથી કંપની ૭૦ કરોડ પાઉન્ડ એટલે કે ૮૫.૬ કરોડ ડોલર બચશે. કૅંપનીએ કુલ ૧.૩ બિલિયન પાઉન્ડ બચાવવાની યોજના બનાવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે એરલાઇન્સ ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડયો છે. રોલ્સ રોયસે એપ્રિલ મહિનામાં જ ચેતવણી આપી હતી કે તેના એન્જિનના ઉડ્ડયન કલાકોંમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે.
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લગભગ બે મહિના સુધી લોેકડાઉન જેવી સ્થિતિ રહી છે. જેના કારણે મોટા ભાગના તમામ દેશોે આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. દરરોજ કોઇને કોઇ કંપની પોતાના કર્મચારીઓ ઘટાડવાની જાહેરાત કરી રહી છે. મોટા ભાગની કંપનીઓ પોેતાના અસ્તિત્વ સામે લડી રહી હોવાથી તેઓ શક્ય એટલા ખર્ચા ઘટાડવાનો પ્રયત્નો કરી રહી છે.