જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા આજે 16 વિદેશી ડિપ્લોમેટનું ગ્રૂપ 2 દિવસના પ્રવાસે જવાના છે. તેમાં લેટિન અમેરિકા અને આફ્રિકાના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે. સરકારે યુરોપિયન યુનિયન (ઈયુ)ના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, તેઓ અત્યારે આ ‘ગાઈડેડ ટૂર’માં નહીં જાય, પછી જશે.
ગયા વર્ષે 5 ઓગસ્ટે સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એ હટાવી દીધા છે. વિદેશી પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યો અને ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ સાથે મુલાકાત કરશે. ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં હાલ 16 વિદેશી ડિપ્લોમેટનું ગ્રૂપ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાના સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પરિણામ જોશે.
તે ઉપરાંત તેઓ રાજ્યના 3 પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક-ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને પણ મળવા માંગે છે. આ દરેક 5 ઓગસ્ટથી રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ થયા પછીથી નજર કેદ છે. આ પહેલાં યુરોપિયન યુનિયનના 25 સભ્યોનું એક ગ્રૂપ ઓક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયું ગતું. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી.
તે ઉપરાંત સેનાએ તેમને સુરક્ષા સ્થિતિની માહિતી આપી હતી. સરકારનું આ પગલું એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કારણકે કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાને ખોટો પ્રોપેગેન્ડા ચાલુ રાખ્યો હતો.
ભારતે ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો હટાવી લીધો હતો અને ત્યારપછી પાકિસ્તાને ઘણાં વિદેશી સ્ટેજ પર આ મુદ્દો ઉછાળ્યો હતો. જોકે તેમાં પાકિસ્તાનને સહેજ પણ સફળતા નહતી મળી. ત્યારે પાકિસ્તાને ભારત સાથેના દરેક રાજકીય સંબંધો ખતમ કરવાનો કરવાનો નિર્ણય કર્યો હતો.