મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટૂડિયોમાં ગુરુવારે 17 બાળકોને બંધક બનાવવાની ચકચારી ઘટના બની હતી. પોલીસે જવાબી કાર્યવાહી કરી બાળકોને બંધક બનાવનારને ઠાર કર્યો હતો અને તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. પોલીસે ઘટનાસ્થળેથી એર ગન અને કેટલાંક કેમિકલ કન્ટેનર જપ્ત કર્યા હતાં.
કિડનેપરની ઓળખ રોહિત આર્યા તરીકે થઈ હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી, તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યો હતો.
આરોપીએ 8થી 14 વર્ષની વયના 17 બાળકોને વેબ સિરિઝના ઓડિશન નામે બોલાવી આશરે બે કલાક સુધી બંધક બનાવ્યાં હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં તે એક્શનમાં આવી હતી. વાટાઘાટો તરત જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેને બાળકોને છોડવાનો ઇનકાર કર્યો હતો અને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. આ પછી પોલીસની ટીમે બાથરૂમમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને તમામ 17 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં.
આ ઘટના પહેલાં આર્યએ એક વિડીયો બહાર પાડ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે તેને આત્મહત્યા કરીને મરવાને બદલે બંધક બનાવવાનું પસંદ કર્યું છે. હું રોહિત આર્ય છું. આત્મહત્યા કરીને મરવાને બદલે, મેં એક યોજના બનાવી છે અને અહીં કેટલાક બાળકોને બંધક બનાવી રહ્યો છું. તેને પોલીસ કાર્યવાહી કરશે તો જગ્યામાં આગ લગાવવાની ધમકી આપી હતી.














