REUTERS/Stringr

અમેરિકાના બાલ્ટીમોરમાં રવિવારે એક બ્લોક પાર્ટીમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને 28 લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર હતી. 18 વર્ષની એક યુવતી ઘટના સ્થળે મૃત હાલતમાં મળી આવી હતી અને 20 વર્ષીય યુવકને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.

બાલ્ટીમોર પોલીસ ડિપાર્ટમેન્ટના એક્ટિંગ કમિશનર રિચાર્ડ વર્લીએ ઘટનાસ્થળે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ ભાગમાં બ્રુકલિન હોમ્સ વિસ્તારમાં એક બ્લોક પાર્ટીમાં રાત્રે 12:30 વાગ્યા પછી ગોળીબાર થયો હતો. આ ઘટનામાં તાકીદે કોઇ ધરપકડ થઈ શકી ન હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘાયલ થયેલા અનેક લોકો પડ્યાં હતાં. હજું સુધી ફાયરિંગ કરનાર શંકાસ્પદ વ્યક્તિ કોણ છે અને ક્યા કારણોસર હુમલો કર્યો, તેની માહિતી મળી નથી. પરંતુ હુમલાખોરની ધરપકડ કરાશે.

બાલ્ટીમોરના મેયર બ્રેન્ડ સ્કોટે ફાયરિંગની ઘટનાને વખોડી કાઢી હતી. મેયર આ ઘટના માટે ગેરકાયદે શસ્ત્રોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આપણા રસ્તાઓ પર ગેરકાયદે હથિયારો લઈને ફરતા લોકોને રોકવા માટે આકરા કાયદો બનાવવો જરૂરી છે. રવિવારે કેન્સાસમાં નાઇટક્લબમાં થયેલા ફાયરિંગમાં સાત લોકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

20 + 15 =