અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ H-1B વિઝાધારકોની સંખ્યા વધી રહી છે. વર્તમાન સ્થિતિમાં તેમને 60 દિવસનો ગ્રેસ પીરિયડ પૂર્ણ થાય તે અગાઉ વતનમાં અચાનક દેશનિકાલ થવાનો ડર સતાવી રહ્યો છે. નોકરીમાંથી હકાલપટ્ટી થવાની અને અમેરિકામાં કાયમી પ્રતિબંધ મુકાવવાની સંભવિત શંકાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો કહે છે કે, આવી કાર્યવાહી થવાની ઘડીઓ ટાઇમ બોમ્બની જેમ ગણાઇ રહી હોય તેવું લાગે છે. 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2025 દરમિયાન અજાણી વર્કપ્લેસ એપ્લિકેશન- બ્લાઇન્ડ પર કરવામાં આવેલા સર્વેમાં 1,584 પ્રોફેશનલ્સનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. જેમાં દર છમાંથી એક (16 ટકા) લોકોએ જણાવ્યું હતું કે તેમને અથવા તેમના કોઈ જાણીતા વ્યક્તિને છટણી પછી ગ્રેસ પીરિયડની અંદર હાજર થવાની નોટીસ (નોટીસ ટુ અપીઅર-NTA) મળી છે. અમેરિકામાં સામાન્ય નિયમો મુજબ, H-1B વર્કર્સ પાસે નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા અથવા વિઝાનો પ્રકાર બદલવા માટે 60 દિવસનો સમય હોય છે. પરંતુ 2025ના મધ્યભાગથી, NTAs બે અઠવાડિયાથી ઓછા સમયમાં ઇસ્યુ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેમને આ નોટીસ મોકલવામાં આવી રહી છે, તેમને ‘આઉટ ઓફ સ્ટેટસ’ જાહેર કરવામાં આવ્યા છે. અચાનક આવી નોટીસ મળવાથી ઘણા લોકો લાંબાગાળાની યોજનાઓ પર ફરીથી વિચાર કરવા મજબૂર થઇ રહ્યા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન આ એપ દ્વારા H-1B અને L1 જેવા વર્ક વિઝા પર અમેરિકામાં વસતા 2,089 ભારતીય પ્રોફેશનલ્સનો સર્વે થયો હતો, જેમાં નોકરીની સુરક્ષા અને દેશમાં ઇમિગ્રેશનના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ 2,089 ભારતીય પ્રોફેશનલ્સના સર્વેમાં, 45 ટકા લોકોએ જણાવ્યું હતું કે, જો તેમને દેશમાંથી નીકળવાની ફરજ પાડવામાં આવશો તો તેઓ ભારત પરત જશે. જ્યારે 26 ટકાએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય દેશમાં જશે, અને 29 ટકા લોકો ક્યાં જશે તે બાબતે અનિશ્ચિત હતા.

LEAVE A REPLY