ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે આજે મિનીસ્ટર્સ સાથેની ​કોબ્રા કમીટીની બેઠક બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદા પ્રેસ બ્રીફિંગમાં ઓછામાં ઓછા વધુ ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસને કાબુમાં લેવા માટેના લોકડાઉન અને સામાજિક અંતરના પ્રયત્નો કામ કરી રહ્યા છે. પરંતુ અર્થતંત્રને ભારે ફટકો પડ્યો હોવા છતાં તે પગલા અમલમાં રહે તે જરૂરી છે. તેમણે લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ માટેની માંગનો ઇન્કાર કર્યો હતો.

ચેકર્સ ખાતે જીવલેણ રોગમાંથી સાજા થયા બાદ આરામ કરતા વડાપ્રધાન જ્હોન્સનના ડેપ્યુટી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’પરિસ્થિતિ નાજુક છે. વૈજ્ઞાનિકો માને છે કે રોગચાળો ફાટી નીકળે તેના કરતા સમુદાયમાં ટ્રાન્સમિશનનુ સ્તર નીચુ છે જોકે હજી પણ હોસ્પિટલો અને કેર હોમમાં ચેપ ફેલાયેલો છે. આ સલાહને આધારે સરકારે નિર્ણય કર્યો છે કે ઓછામાં ઓછા આવતા ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનના પગલાઓ જળવાઈ રહેવા જોઈએ.’

રાબે પાંચ માપદંડ જાહેર કરતા જણાવ્યુ હતુ કે ‘’એનએચએસ પર બહુ ભારણ ન હોય, મૃત્યુ દરમાં સતત ઘટાડો થાય, ચેપનુ ટ્રાન્સમિશન કાબુમાં હોય, મોટા પાયે ટેસ્ટ કરવાની ક્ષમતા હોય અને મેડિક્સને પીપીઈ પૂરતા પ્રમાણમાં આપવની ક્ષમતા હોય અને રોગનો ઉથલો ફરીથી ન મારે તેવા સંજોગોમાં જ લોકડાઉન ઢીલું કરી શકાય તેમ છે.’’

પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી હતી કે મિનીસ્ટર્સે સામૂહીક ટેસ્ટ માટેની ‘કાર્યવાહીમાં વેગ’ વધારવો જોઇએ. કાફે અને રેસ્ટોરાં ફરીથી શરૂ કરવાનો આગ્રહ કરતા  એક્ઝિટ પ્લાન માટે દબાણ કરતા અહેવાલ મિનીસ્ટર્સને આપવામમાં આવ્યા છે. જેમાં સૂચવવામાં આવ્યું હતુ કે બ્રિટનની હાઇ સ્ટ્રીટ પર આવેલી કોફી શોપ, રેસ્ટૉરન્ટ્સ અને એસ્ટેટ એજન્ટને તેમની દુકાનો ખોલવા મંજૂરી આપવા જોઇએ કેમ કે તેઓ અર્થતંત્રને વેગ આપે છે અને વાયરસ ફેલાવવાનું સૌથી ઓછુ જોખમ ધરાવે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુવાનોને નોકરી પર જવા દેવાની અને પ્રાથમિક શાળાઓ ખોલવાની મંજુરી આપવામાં આવે અને પેન્શનરો અને નબળા લોકોને એકાંતમાં રહેવા આદેશ આપવામાં આવે. તાજેતરમાં, બર્ગર કિંગ, કેએફસી અને પ્રેટે કાઉન્ટી વિસ્તારોમાં તેમના સ્ટોર્સને આંશિક રીતે ફરીથી ખોલવાની યોજના જાહેર કરી છે.

સ્કોટીશ ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યુ હતુ કે જનતાને જાણવાનો અધિકાર છે કે રાજકારણીઓ આ કટોકટીમાંથી કેવી રીતે બહાર નીકળવાની યોજના ધરાવે છે જે અર્થવ્યવસ્થાને તોડી નાખવાની ધમકી આપે છે.

મેઇલ ઑનલાઇનના એક સર્વેમાં જણાવાયુ હતુ કે ‘’લોકડાઉન સમાપ્ત થાય તે માટે જનતા તૈયાર નથી. 80 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓને આ ક્ષણે સામાન્ય જીવનમાં પાછા ફરવાનું સલામત લાગતુ નથી.’’  સરકાર સલાહકાર પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે ‘’જ્યાં સુધી સામૂહિક ટેસ્ટ ન થાય ત્યાં સુધી દબાણ હળવા ન કરી શકાય.

  • નવા વેન્ટિલેટરની ડિઝાઇનને રેગ્યુલેટરે મંજૂરી આપતા સરકારે પેનલોનના પ્રીમા ES202 મોડેલના 15,000 વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે.
  • હેનકોકે આગ્રહ કર્યો હતો કે સરકાર મહિનાના અંત સુધીમાં રોજના 100,000 ટેસ્ટ કરશે. પરંતુ સરકાર હજી પણ 25,000 ટેસ્ટની વર્તમાન ક્ષમતાનો ઉપયોગ કેમ નથી કરતી તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.