કોરોનાવાયરસના કાળમુખા પંજામાંથી દેશને મુક્ત કરાવવાના વ્યાપક પગલાઓને જોઇએ તેવી સફળતા મળતી નથી ત્યારે છેલ્લા 24 કલાકમાં યુકેમાં કુલ 861 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે યુકેનો કુલ મરણ આંક 13,729 પહોંચ્યો હતો. જ્યારે પોઝીટીવ કેસોની સંખ્યા 103,093ની ઉપર પહોંચી ગઇ હતી. છેલ્લા 24 કલાકમાં માત્ર 4,618 પોઝીટીવ કેસો આવ્યા હતા અને આ આંક સ્થિર રહ્યો છે. ગત સપ્તાહે શનિવારથી લઇને આજ સુધીમાં આજનાં મૃત્યુની સંખ્યા પાંચ દિવસમાં સૌથી વધુ છે, પરંતુ આ વધારો અપેક્ષિત હતો.

એનએચએસની ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં કુલ 740થી વધુ મોતની જાહેરાત કરવામાં આવી હતી. જે દર્દીઓની વય 28 થી 103 ની વચ્ચે હતી. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 121 લોકોના મરણ થયા હતા. ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હ્ટીએ જણાવ્યું હતું કે બેંક હોલીડે પછી મૃત્યુ દરમાં વૃદ્ધિની અપેક્ષા છે.

ફોરેન સેક્રેટરી રાબે કહ્યું હતુ કે ‘’બીમાર બનેલ વ્યક્તિ ‘લગભગ ચોક્કસપણે’ એકથી વધુ વ્યક્તિને ચેપ લગાડતો નથી. તેમ છતાં, કેટલીક હોસ્પિટલો અને કેર હોમ્સમાં રોગચાળાની સમસ્યા હજી પણ વ્યાપેલી છે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે જણાવ્યું હતું કે ‘’સમુદાયમાં ફાટી નીકળેલો રોગચાળો સંકોચાઇ રહ્યો છે. વાયરસનું આર મૂલ્ય એટલે કે દરેક દર્દી કેટલા લોકોને ચેપ લગાવે છે તે હવે 0.5 અને 1ની વચ્ચે ક્યાંક હોવાનું માનવામાં આવે છે. આ એક એવી નિશાની છે જેમાં ચેપનો દર નીચે રાખવામાં આવશે તો વાયરસ પોતાની જાતે જ બળી જશે.’’

ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી, પ્રોફેસર ક્રિસ વ્હિટ્ટીએ ગઈકાલે બુધવારે સરકારના બ્રીફિંગમાં જણાવ્યું હતું કે લાંબા બેંક હોલીડે પછી આજે ગુરૂવારે મૃત્યુ દર વધવાની અપેક્ષા છે. એક નિષ્ણાતે કહ્યું હતુ કે તેઓ વિચારે છે કે યુકે તેની સૌથી મોટી દૈનિક મૃત્યુની સ્થિતીમાંથી પસાર થઈ ગયું છે. 10 એપ્રિલના રોજ 980 લોકો મરણ પામ્યા હતા.

હજી પણ નવા કેસો હોસ્પિટલોમાં આવે છે અને એનએચએસ પર હજી દબાણ વરતાઇ રહ્યુ છે.