ચીનથી શરૂ થયેલા કોરાનાવાઈરસે હવે યુરોપમાં ડેરો જમાવ્યો છે. યુરોપમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે કેસ નોંધાયા છે અને તમામ યુરોપિયન દેશો વાઈરસની લપેટમાં આવી ગયા છે. યુરોપમાં સૌથી વિપરિત અસર ઈટાલી, સ્પેન, જર્મની, ફ્રાન્સમાં થઈ રહી છે.

ઇટાલીમાં 75 હજાર જ્યારે સ્પેનમાં 56 હજાર કેસ નોંધાયા છે. એશિયામાં કેસની સંખ્યા 1 લાખ ઉપર નોંધાઈ છે. વૈશ્વિક મૃત્યુઆંક 22 હજાર ઉપર પહોંચી ગયો છે, જ્યારે વિશ્વમાં કુલ કેસ 4.90 લાખથી વધારે થયા છે. સાજા થયેલા દરદીની સંખ્યા પણ 1.18 લાખથી વધારે છે.

અમેરિકાએ કોરોનાથી અર્થતંત્રને બચાવવા માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેની સામે મદદ મેળવવા માટે 32 લાખ અરજી મળી છે. અમેરિકામાં 32 લાખ લોકોએ પોતે બેકાર હોવાથી સહાય મળવી જોઈએ એવી અરજી કરી છે. અમેરિકા જેવા સક્ષમ અને જગતનુ અગ્રણી અર્થતંત્ર ધરાવતા દેશ માટે આ આંકડો ચિંતાજનક છે. તેનાથી અમેરિકાના અર્થતંત્ર પર વિપરિત અસર થશે એવુ નિષ્ણાતો માને છે.

દરમિયાન ટ્રમ્પે કહ્યું હતુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળાની અવગણના કરી છે. ચીન પ્રત્યે નરમ વલણ રાખ્યું એટલે રોગચાળો ત્યાંથી બધે ફેલાયો એવો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે એક વખત સ્થિતિ થાળે પડી પછી ઑર્ગેનાઈઝેશનને કેટલી મદદ કરવી એ વિચાર કરવો પડશે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કહ્યું હતુ કે યુરોપમાં મોટી સંખ્યામાં કેસ છે, પરંતુ હવે ફેલાવાનો દર ધીમો પડયો છે. એ રાહતના સમાચાર છે. જોકે સ્પેનમાં મૃત્યુઆંક ચાર હજાર ઉપર પહોંચ્યો છે. માટે સ્પેનિશ સરકારે 1939માં ખતમ થયેલા સિવિલ વૉર પછીની સૌથી મોટી આફત ગણાવી હતી.