કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે ગુરુવારે જી-૨૦ રાષ્ટ્રોએ કોરોના વાઈરસનો સામનો કરવા માટે રણનીતિ ઘડી કાઢવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જી-૨૦ રાષ્ટ્રોએ વૈશ્વિક અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન યુએસ ડોલર (અંદાજે ૩.૭૪ લાખ અબજ રૂપિયા)નું ભંડોળ ઠાલવવાનું વચન આપ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા પર ધ્યાન આપવાના બદલે પહેલાં માનવ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું છે. તેમણે જી-૨૦ રાષ્ટ્રોને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

સાઉદી અરબના રાજા સલમાનના અધ્યક્ષપદે યોજાયેલી સંયુક્ત ઈમર્જન્સી વીડિયો કોન્ફરન્સમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં સાઉદીના રાજા સલમાને કોરોના સામે લડવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલી ઓઈલ પ્રાઈસની વોરનો અંત લાવવા માટે બંને રાષ્ટ્રો પર દબાણ થઈ રહ્યું છે.

જી-૨૦ રાષ્ટ્રોના નેતાઓની બેઠકમાં સાઉદી અરબના રાજા સલમાને ગુરુવારે આગ્રહ કર્યો કે કોરોના વાઈરસથી પેદા થયેલા વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે ‘અસરકારક અને સંયુક્ત’ પગલાં લેવા જરૂરી છે. સાથે જ તેમણે વિકાસશીલ રાષ્ટ્રોને મદદ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું.

કિંગ સલમાને જી-૨૦ નેતાઓની વીડિયો કોન્ફરન્સ મારફત બોલાવાયેલી ઈમર્જન્સી બેઠકને સંબોધન કરતાં જણાવ્યું કે આપણી જવાબદારી છે કે આપણે વિકાસશીલ દેશો અને ઓછા વિકસિત દેશોની મદદ માટે હાથ લંબાવીએ, જેથી તેમની ક્ષમતાઓનું નિર્માણ થઈ શકે અને તે સંકટના આ સમયનો સામનો કરવા માટે પોતાના મૂળભૂત માળખાને મજબૂત બનાવી શકે.

આ બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, અમે કોરોના વાઈરસ સામે સંયુક્ત પ્રયાસો હાથ ધરવા માટે કટીબદ્ધ છીએ. અમે વૈશ્વિક અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન ડોલર (અંદાજે ૩.૭૪ લાખ અબજ રૂપિયા) ઠાલવીશું. આ ભંડોળનો ઉપયોગ કોરોના વાઈરસના કારણે સર્જાનારી આર્થિક, નાણાકીય અને સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે કરાશે.

આ બેઠકમાં ભાગ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦ રાષ્ટ્રોના નેતાઓને સાથે મળીને કોવિડ-૧૯ સામે લડવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોવિડ-૧૯ની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે અંગે ચર્ચા કરવાનો આ સમય નથી. અત્યારે વર્તમાન સંકટનો ઉકેલ લાવવાના ઉપાયો શોધવા પર વાત થવી જોઈએ. વાઈરસના પ્રકોપ માટે કોઈને દોષ આપવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાને આગળ કહ્યું જી-૨૦ રાષ્ટ્રોએ હાલ આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવાના બદલે માનવ જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આપણે ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓને વધુ મજબૂત કરવી પડશે. જી-૨૦માં મોટાભાગે આપણે આર્થિક મુદ્દાઓ પર વાત કરીએ છીએ. પરંતુ આપણી સામે આતંકવાદ, જલવાયુ પરિવર્તન જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ છે, જેનો આપણે ઉકેલ લાવવાનો છે. કોવિડ-૧૯એ આપણને વૈશ્વિક સ્તરે સમસ્યાઓ અંગે વિચારવાની તક આપી છે.