ઇરાનમાં છેલ્લાં બે સપ્તાહથી ચાલી રહેલા ઇસ્લામિક શાસન સામેના ઉગ્ર આંદોલનમાં આશરે 500થી વધુ લોકોના મોત થયા છે ત્યારે હવે અમેરિકાની દરમિયાનગીરીની શક્યતામાં વધારો થયો છે. પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દેખાવકારો સામેની સરકારની હિંસક કાર્યવાહી બદલ માટે લશ્કરી વિકલ્પો સહિત સહિતના વિવિધ વિકલ્પોની વિચારણા કરી રહ્યાં છે. બીજી તરફ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ સોમવારે તેહરાનમાં જણાવ્યું હતું કે અમે યુદ્ધ અને વાતચીત બંને માટે તૈયાર છીએ.
ટ્રમ્પે ઈરાનના નેતાઓને ચેતવણી આપી હતી કે જો સુરક્ષા દળોએ દેખાવકારો પર ગોળીબાર કરશે તો અમેરિકા હુમલો કરશે. યુએસ સ્થિત માનવ અધિકાર જૂથ HRANAએ જણાવ્યું હતું કે આ આંદોલનમાં 490 દેખાવકારો અને 48 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે અને 10,600થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે ઇરાને કોઇ સત્તાવાર મૃત્યુઆંક આપ્યો નથી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે “ઈરાન વાટાઘાટો કરવા માંગે છે, હા. અમે તેમની મળી શકીએ છીએ. એક બેઠક ગોઠવવામાં આવી રહી છે, પરંતુ બેઠક પહેલા શું થઈ રહ્યું છે તેના કારણે આપણે પગલાં લેવા પડી શકે છે. ઈરાને ફોન કર્યો, તેઓ વાટાઘાટો કરવા માંગે છે
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો વોશિંગ્ટન ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ બંને અમારા માટે ‘કાયદેસરના નિશાન’ બની જશે.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.












