અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ ભારે કમોસમી વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રનમાં મહુવામાં 12 ઇંચ, અમરેલી જિલ્લાના રાજુલામાં 11 ઇંચ, ગીર સોમનાથ જિલ્લાના ઉનામા 9 ઇંચ વરસાદને કારણે નદીઓમાં પૂર આવતા અને ડેમો ઓવરફ્લો થતાં શહેરો, ગામડા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદ અને પૂરમાં ફસાયેલા 170થી વધુ લોકોને બચાવી લેવાયા હતાં. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ વધીને 124 ટકા થયો હતો.
માવઠાને કારણે મગફળી, કપાસ અને ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ અને કોઝવે છલકાઈ ગયા હતાં, જેના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત આ ત્રણ જિલ્લાઓના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો હતો.
રાજ્યના કૃષિ વિભાગે પાકને બચાવવા માટે સાવચેતીના પગલાં સાથે એક એડવાઇઝરી જારી કરી હતી. અધિકારીઓએ ખેડૂતોને ખેતરમાં કાપેલા અથવા ખુલ્લા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા, તાડપત્રીથી ઢાંકવા, માટીના પાળા બનાવવા, જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ ટાળવા અને વરસાદમાં APMCમાં વેચાણ માટે પેદાશોનું પરિવહન ન કરવા જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કેટલીક નદીમાં પૂર આવ્યા હતા અને અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યાં હતાં. અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તથા ગામડા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરાયો હતો.
રાજ્યના 219થી તાલુકામાં 9 ઇંચ સુધીનો કમોમસી વરસાદને પગલે ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગે ડિપ્રેશનને પગલે 31 ઓક્ટોબર સુધીના આગામી ચાર દિવસ દરમિયાન વધુ વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં છેલ્લા 34 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. નવસારીમાં 157 મીમી વરસાદ પડ્યો હતો.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં શનિવારની સવારથી રવિવારની સાંજ સુધીમાં 157 મીમી વરસાદ પડ્યો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા (128 મીમી), વલસાડના ઉમરગામ (96 મીમી), નવસારીના ખેરગામ (85 મીમી), ગીર સોમનાથના વેરાવળ (79 મીમી), ડાંગ જિલ્લાના આહવા (71 મીમી), નવસારીના જલાલપોર (69 મીમી) અને વલસાડ જિલ્લાના 56 મીમી વરસાદ ખાબક્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઇંચ અને સિહોરમાં 5 ઇંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઇંચ, ભાવનગર શહેરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઇંચ, વલ્લભીપુરમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઇંચ, ઓલપાડમાં 1.26 ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 1 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી કરી હતી.
000000000
રાજ્યમાં સીઝનનો 124% વરસાદ
સતત ચાર દિવસના કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 124 ટકા વરસાદ નોંધાયો હતો. મંગળવાર, 28 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં સરેરાશ 42 ઇંચ વરસાદ પડ્યો હતો. પ્રદેશવાર જોઈએ તો, કચ્છમાં તેના સરેરાશ મોસમી વરસાદના ૧૪૮.૪૧% વરસાદ પૂર્ણ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં ૧૩૦.૪૮% વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં અનુક્રમે ૧૨૩.૪૮% અને ૧૨૩.૨૦% વરસાદ પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં તેના સરેરાશ વરસાદના ૧૧૭.૪૭% વરસાદ પડ્યો હતો.












