આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે એક ખાનગી કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થવાની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ઝેરી ગેસ ગળતરને પગલે બેથી અઢી કિલોમીટર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. સૂત્રોના મતે ગેસ ગળતરથી અંદાજે 200થી 300 લોકોને અસર થઈ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગેસ ગળતરની ગંભીર અસર થઈ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા રહેલી છે.

ગોપાલપટ્ટનમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપની એલજી પોલિમરમાં ગેસ ગળતર થવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગભરામણ અને શરીર પર ચાંઠા પડવાની ફરિયાદ કરી હતી.જિલ્લા કલેક્ટર વી વિનય ચંદે જણાવ્યું હતું કે ગેસ ગળતરથી શરૂઆતમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ હતી બાદમાં કેટલાક લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આંધ્ર પ્રદેશના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં ગેસ ગળતરથી મૃત્યુ થયેલા લોકોના પરિવારને હું સાંત્વના પાઠવું છું.સૂત્રોના મતે 200-300 લોકોને નજીકની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ કેટલાક લોકો રસ્તા પર બેશુદ્ધ અવસ્થામાં પડ્યા હોવાનું પણ જણાયું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમે તાત્કાલિક કંપનીમાં પહોંચીને ગેસ ગળતરને બંધ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.