લોકડાઉનને લીધે ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટેની વધુ પાંચ સ્પેશિયલ ફ્લાઇટની આગામી સપ્તાહથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદથી હવે ૨૮-૨૯ એપ્રિલ તેમજ ૧-૩-૪ મેના લંડન માટેની ડાયરેક્ટ ફ્લાઇટ ઉપડશે.

લોકડાઉન વચ્ચે અમદાવાદથી લંડન વચ્ચે સૌપ્રથમ સ્પેશિયલ ફ્લાઇટ ૧૩ એપ્રિલના રવાના થઇ હતી. જેમાં ૧૩-૧૫-૧૭ એપ્રિલના ૩ ત્યારબાદ ૨૦-૨૨-૨૩-૨૪-૨૬ એપ્રિલના અમદાવાદ-લંડનની પાંચ સ્પેશિયલ ફ્લાઇટની જાહેારાત કરવામાં આવી હતી.

બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનનાં અમી રાનિન્ગાએ જણાવ્યું કે, ‘ભારતમાં રહેલા બ્રિટિશ મુસાફરોની વધુ સંખ્યાને કારણે વધુ પાંચ સ્પેશિયલ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી પાંચ ફ્લાઇટ અમદાવાદથી ૨૮-૨૯ એપ્રિલ તેમજ ૧-૩-૪ મેના લંડન માટે રવાના થશે. ઉદેપુર, દીવના મુસાફરોને પણ આ પૈકીની કેટલીક ફ્લાઇટમાં લઇ જવામાં આવશે.’

આમ, અમદાવાદથી ૧૩ એપ્રિલથી ૪ મે સુધી લંડન માટેની પાંચ સ્પેશિયલ ફ્લાઇટ ઉપડશે. આ પાંચ ફ્લાઇટમાં ૩હજારથી વધુ બ્રિટિશ નાગરિકોને લંડન પહોંચાડવામાં આવશે. દરમિયાન ૨૪ એપ્રિલના અમદાવાદ-લંડનની સ્પેશિયલ ફ્લાઇટમાં ૨૭૦ જેટલા મુસાફરો રવાના થયા હતા.