કોલોરાડોની સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી વર્ષે રાજ્યની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં મતદાન માટે ગેરલાયક ઠેરવ્યા હતાં. 2021ના યુએસ કેપિટોલ પર હુમલામાં ટ્રમ્પની ભૂમિકા બદલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ટ્રમ્પના કેમ્પેઇન ટીમ કોર્ટના નિર્ણયને ત્રુટિપૂર્ણ અને બિનલોકશાહી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેની સામે અપીલ કરવામાં આવશે.
આ ચુકાદાથી ટ્રમ્પ યુએસ ઇતિહાસના પ્રથમ પ્રમુખપદના ઉમેદવાર બન્યા છે કે જેમને વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય ગણવામાં આવ્યાં છે. અમેરિકાના બંધારણની ભાગ્યે જ ઉપયોગમાં લેવાતી એક જોગવાઈ હેઠળ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ જોગવાઈ મુજબ બળવામાં સંડોવાયેલા અધિકારીઓને હોદ્દો સંભાળવાથી પ્રતિબંધ મૂકવામાં આવે છે. અદાલતે તારણ કાઢ્યું હતું કે યુ.એસ. સરકાર સામે હિંસા ભડકાવવાની ભૂમિકાને કારણે બંધારણ હેઠળ 2024માં રિપબ્લિકન નોમિનેશન માટેના મતદાનમાં ટ્રમ્પ હાજર રહી શકશે નહીં.
આ ચુકાદો માત્ર રાજ્યની 5 માર્ચની રિપબ્લિકન પ્રાઈમરી માટે જ લાગુ પડે છે, પરંતુ તેનું તારણ 5 નવેમ્બરની જનરલ ઇલેક્શન માટે ટ્રમ્પના ભાવિને પણ અસર કરી શકે છે.
આ કેસ કોલોરાડોના મતદારોના એક ગ્રૂપે દાખલ કર્યો હતો. તેને વોશિંગ્ટનમાં સિટીઝન્સ ફોર રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ દ્વારા સહાય કરવામાં આવી હતી. તેમાં દલીલ કરાઈ હતી કે કેપિટોલ પર હુમલો કરવા માટે તેમના સમર્થકોને ઉશ્કેરવા બદલ ટ્રમ્પને ગેરલાયક ઠેરવવા જોઈએ.
ટ્રમ્પ કેમ્પેઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કોલોરાડો સુપ્રીમ કોર્ટે આજે રાત્રે એક સંપૂર્ણ ખામીયુક્ત નિર્ણય જારી કર્યો છે અને અમે ઝડપથી યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું અને આ બિનલોકતાંત્રિક નિર્ણય પર રોક લગાવવા માટે એક સાથે વિનંતી કરીશું,”