ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં લંડનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત યોજીને બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા સહિત કેટલાક મહત્વના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. પોતાની ત્રણ દિવસીય બ્રિટન યાત્રાના સમાપન પર આર્થિક વિષયો પર વિચાર-વિમર્શ દરમિયાન બંને નેતાઓની મુલાકાત ઉષ્માસભર રહી હતી. આ નિમિત્તે રાજનાથ સિંહે બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને રામ દરબારની પ્રતિમા ભેટ સ્વરુપે આપી હતી.

રાજનાથ સિંહે વડાપ્રધાન ઋષિ સુનકના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, બંને દેશોએ પોતાના ઐતિહાસિક સંબંધોને આધુનિક, બહુપરિમાણિય અને અરસપરસની ફળદાયી ભાગીદારીમાં ઢાળવામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, બ્રિટન અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશોએ શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમ આધારીત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ભારત સાથે મળીને કામ કરવું જોઈએ અને ભારતના ઉત્કર્ષમાં સહયોગી બની શકે છે. ઋષિ સુનકે પણ વ્યાપાર, સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશોની સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. સુનકે આશા વ્યક્ત કરી કે બંને દેશોની વચ્ચે ચાલી રહેલા મુક્ત વ્યાપાર કરારનો સફળ નિષ્કર્ષ લાવી શકાય છે. આ મુલાકાત દરમિયાન બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સર ટિમ બેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY